કચ્છઃ ભુજની એક શાળામાં વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે. ભુજની વિડી હાઈસ્કૂલના વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે. ધોરણ 11મા ભણતા વિદ્યાર્થીનો RTPCR રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની સત્તાવાર આજે જાહેરાત કરવામાં આવી છે. તકેદારી માટે આજે શાળામાં 30 વિદ્યાર્થીઓ અને શિક્ષકોના RTPCR ટેસ્ટ કરાયા હતા.
છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 50 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 24 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,17,158 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.74 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક મોત થયું છે. આજે 4,21,081 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 15, સુરત કોર્પોરેશનમાં 6, વડોદરા 6, રાજકોટ 4, વડોદરા કોર્પોરેશનમાં 4, કચ્છ 3, ભાવનગર કોર્પોરેશનમાં 2, આણંદ 1, ભાવનગર 1, ગાંધીનગર કોર્પોરેશનમાં 1, ગીર સોમનાથ 1, જામનગર કોર્પોરેશન 1, નવસારી 1, રાજકોટ કોર્પોરેશનમાં 1, સુરત 1, તાપી 1 અને વલસાડમાં 1 કોરોનાનો કેસ નોંધાયો હતો.
જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 318 કેસ છે. જે પૈકી 09 વેન્ટીલેટર પર છે, જ્યારે 309 નાગરિકો સ્ટેબલ છે. 8,17,158 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10094 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે.
બીજી તરફ રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 13 લોકોને કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ જ્યારે 2842 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 8068 નાગરિકોને રસીનો પ્રથમ અને 105018 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 27231 નાગરિકોને રસીનો પ્રથમ અને 277909 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 4,21,081 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,19,03,703 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.
અમદાવાદ, અમરેલી, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્ધારકા, ગાંધીનગર, જામનગર, જૂનાગઢ, જૂનાગઢ કોર્પોરેશન, ખેડા, મહીસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, પંચમહાલ, પાટણ, પોરબંદર, સાબરકાંઠા અને સુરેન્દ્રનગરમાં એક પણ કોરોના વાયરસનો કેસ નોંધાયો નથી.