રાજ્યમાં ગરમીની શરૂઆત વચ્ચે ખેડૂતો માટે ફરી એકવાર માઠા સમાચાર આવ્યા છે. કચ્છ જિલ્લાના ભુજ, માધાપર અને ભુજોડી જેવા વિસ્તારોમાં અચાનક કરા સાથે કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા છે. આ બરબાદીના વરસાદ વચ્ચે હવામાન વિભાગ અને જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં હજુ વધુ માવઠું પડવાની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 28 માર્ચથી લઈને 2 એપ્રિલ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ અને 40 થી 55 કિલોમીટરની ઝડપે ફૂંકાતા પવન સાથે કમોસમી વરસાદ પડી શકે છે, જેને પગલે ખેડૂતોને સતર્ક રહેવા અને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

કચ્છમાં કરા પડતાં ખેડૂતો મુશ્કેલીમાં

હાલમાં જ પશ્ચિમ કચ્છના કેટલાક વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ભુજના માધાપર હાઈવે, ભુજોડી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું પડ્યું છે. સૌથી મોટી ચિંતાની વાત એ છે કે અહીં સામાન્ય વરસાદની સાથે કરા પણ પડ્યા છે, જેના કારણે ખેતરોમાં ઉભેલા પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. અચાનક પડેલા આ વરસાદથી ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

હવામાન વિભાગની 29 અને 30 માર્ચની આગાહી

હવામાન વિભાગની સત્તાવાર માહિતી મુજબ, પવનની દિશા બદલાતા 28 માર્ચ સુધી તો ગરમી યથાવત રહેશે, પરંતુ 29 અને 30 માર્ચે કમોસમી વરસાદ વરસી શકે છે. 29 માર્ચે ખાસ કરીને કચ્છ અને બનાસકાંઠામાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. જ્યારે 30 માર્ચે આ અસર વધશે અને કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. આ ખરાબ વાતાવરણની શક્યતાને જોતા માછીમારોને 29 અને 30 માર્ચે દરિયામાં ન જવાની ખાસ સૂચના અપાઈ છે.

અંબાલાલ પટેલનું અનુમાન: 6 દિવસ સાચવજો

બીજી તરફ, જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ખેડૂતોને સતર્ક અને સાવધાન રહેવાની અપીલ કરી છે. તેમના અનુમાન મુજબ, મજબૂત પશ્ચિમી વિક્ષેપ (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) ને કારણે 28 માર્ચથી 2 એપ્રિલ સુધી સળંગ 6 દિવસ માવઠાનો માહોલ રહી શકે છે. આ સમયગાળા દરમિયાન કચ્છ-સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ આવી શકે છે. સાથે જ દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવવાની શક્યતા છે. તેમણે આગાહી કરી છે કે દેશના અમુક ભાગોમાં 60 થી 70 કિલોમીટરની ઝડપે, જ્યારે ગુજરાતમાં 40 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાઈ શકે છે.