અમદાવાદ: રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડની શરુઆત થશે. હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદને લઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. આગામી 3 દિવસ કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. 04 સપ્ટેમ્બરથી વરસાદનું જોર ખૂબ વધશે અને રાજ્યના 22 થી વધુ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદનું યલો-ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર વધશે. આ વિસ્તારમાં એકાદ બે જગ્યાએ ભારે તો કેટલાક વિસ્તારમાં મધ્યમ વરસાદ વરસશે. ઉલ્લેખનિય છે કે એકાદ બે વિસ્તાર ભારે વરસાદ માટે છોડી દઇએ તો મધ્યમ વરસાદ ગુજરાત રિજનનાં સમગ્ર વિસ્તારમાં રહેશે. ગુજરાતમાં મેઘરાજા ફરી જમાવટ કરશે. અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
આજે આ જિલ્લાઓમાં વરસાદનું અનુમાન
હવામાન વિભાગની આગાહી મુજબ આજે નર્મદા અને તાપીમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંત દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાક બાદ રાજ્યમાં વરસાદની તીવ્રતા વધી શકે છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. નવસારી, વલસાડ, તાપી, ડાંગમાં તેમજ દમણ અને દાદર નગર હવેલીમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગામી 5 દિવસ 30 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગે ભારે વરસાદની આગાહીને પગલે માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપી છે.
સરેરાશ 90.81 ટકા વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર મુજબ, રાજ્યમાં સિઝનનો સરેરાશ 90.81 ટકા વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ 95.31 ટકા, દક્ષિણ ગુજરાતમાં 94.48 ટકા, પૂર્વ મધ્યમાં 90.58 ટકા, કચ્છમાં 85.14 ટકા અને સૌરાષ્ટ્રમાં 84.48 ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યની જીવાદોરી ગણાતો સરદાર સરોવર નર્મદા ડેમ 89.66 ટકા ભરાયેલો છે. જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયોમાં 80.58 ટકા જળસંગ્રહ છે.
રાજ્યમાં 108 ડેમ હાઈ એલર્ટ પર છે, જ્યારે 80 ડેમ 100 ટકા ભરાયેલા છે. આ સિવાય 30 ડેમ એલર્ટ અને 9 ડેમ વોર્નિંગ પર છે. જ્યારે 67 ડેમ 70 થી 100 ટકા, 25 ડેમ 50 થી 70 ટકા અને 18 ડેમ 25 થી 50 ટકા ભરાયેલા છે. 16 ડેમ 25 ટકાથી ઓછા ભરાયેલા છે.