અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આજે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં એક સાથે 2 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેને લઈ ભારેથી અતિભારે વરસાદ વરસશે. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને લેટેસ્ટ આગાહી કરવામાં આવી છે.
આજે આ જિલ્લાઓમાં પડશે વરસાદ
આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, આણંદ, ખેડા અને વડોદરા જિલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
કાલે (શનિવારે) આ જિલ્લાઓમાં પડશે વરસાદ
આવતીકાલે સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. હવામાન વિભાગના મતે, આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર થોડું ઘટશે. રથયાત્રાના દિવસે અમદાવાદમાં હળવો વરસાદ પડવાની આગાહી કરાઈ છે.
સુરત જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ
સુરત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. બે દિવસના વિરામ બાદ ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદને પગલે જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે નં 48 ઉપર વિઝીબલીટી ડાઉન થઈ હતી. વિઝીબલીટી ડાઉન થતાં વાહનોની રફતાર ધીમી થઈ હતી. વાહન ચાલકોએ હેડ લાઈટ ચાલુ રાખી વાહન ચલાવવાની ફરજ પડી હતી. વહેલી સવારથી જ જિલ્લાના ઓલપાડ,કામરેજ,માંડવી,પલસાણા,બારડોલી,ઉમરપાડા સહિતના તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
રાજ્યના અનેક તાલુકાઓમાં વરસાદ
ખેરગામમાં સાડા ત્રણ ઈંચ, કપરાડામાં સવા ત્રણ ઈંચ વરસાદ વરસ્યોછે. ડોલવણ, ડેડીયાપાડા, કામરેજમાં ત્રણ-ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે. વાંસદા, બારડોલીમાં અઢી-અઢી ઈંચ વરસાદ વરસ્યો છે. વાલોડ, મહુવા, વઘઈમાં બે-બે ઈંચ વરસાદ વરસ્યો છે. વ્યારા, નવસારી, ચીખલીમાં બે-બે ઈંચ વરસાદ પડ્યો છે. ગણદેવી, સોનગઢ, નેત્રંગમાં પોણા બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જલાલપોર, સાગબારા, ઓલપાડમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. સુબીર, સુરત શહેરમાં દોઢ-દોઢ ઈંચ વરસાદ પડ્યો છે. નાંદોદ,માંગરોળ,માંડવીમાં સવા એક ઈંચ વરસાદ પડ્યો હતો. પલસાણા, વલસાડ, ધરમપુરમાં એક-એક ઈંચ વરસાદ વરસ્યો છે. તળાજા, પારડી, ચોર્યાસીમાં એક-એક ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે ડાંગ, નસવાડી, શિનોરમાં એક-એક ઈંચ વરસાદ વરસ્યો હતો.