વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીની સોમવારે સાંજે તબિયત લથડતાં તમને તાબડતોબ હોસ્પિટલ દાખલ કરાયા હતા.ભારતીય જનતા પાર્ટીની ઓનલાઇન બેઠક દરમિયાન સાંજે 6.30વાગ્યે તેમની તબિયત બગડી હતી.
વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની તબિયત સોમવારે સાંજે અચાનક ખરાબ થઇ ગઇ હતી. સોમવારે સાંજે 6-30 વાગ્યે ભારતીય જનતા પાર્ટીની ઓનલાઇન બેઠકમાં તેઓ હાજર રહ્યાં હતા. આ દરમિયાન જ તેમની તબિયત ખરાબ થઇ હતી. તેમની તબિયત લથડતાં તાબડતોબ યુએન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. તેમને હાર્ટ સંબંધિત સમસ્યા સર્જાઇ હોવાનું સામે આવ્યું છે.
વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની રાત્રે એન્જોપ્લાસ્ટી કરવામાં આવી હતી. દેશભરમાં હાલ કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. છેલ્લા થોડા સમયમાં 10થી વધુ ધારાસભ્યો કોરોના સંક્રમિત થયા છે. વિધાનસભાના સત્ર દરમિયાન 10થી વધુ ઘારાસભ્યો કોરોના સંક્રમિત થયા હતા. આ પહેલા પણ 6 ધારાસભ્યો કોરોના સંક્રમિત થયા હતા. જેમાં બજેટસત્રમાં સૌથી પહેલા ઈશ્વર પટેલ અને બાબુ જમના પટેલ સંક્રમિત થયા બાદ સારવાર લઈને કોરોના નેગેટિવ આવી ચૂક્યા છે. ઉપરાંત ઘારાસભ્ય વિજય પટેલ, ભીખા બારૈયા, પુંજા વંશ, ભરતજી ઠાકોર અને નૌશાદ સોલંકીનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મુખ્યમંત્રી કાર્યાલયના નાયબ સચિવ નો કોવિડ-19નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને હોમ ક્વોરન્ટીન થયા છે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિની વાત કરીએ તો રાજ્યમાં ફરી કોરોનાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. કોરોના સંક્રમણ કેસમાં દરરોજ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. દિવસેને દિવસે સતત રેકોર્ડબ્રેક કેસ નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના ( Coronavirus) 3160 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 15 લોકોના કોરોના (Corona) સંક્રમણથી મોત થયાં હતા. રાજ્યમાં આજે 2028 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 3,00,765 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.
રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 16 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 16252 પર પહોંચ્યો છે. જેમાંથી 167 લોકો વેન્ટિલેટર પર અને 16085 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 93.52 ટકા છે.