Gujarat Rain: ગુજરાતમાં આગામી 6 દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદનું વાતાવરણ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં હાલ ભારે વરસાદની શક્યતા નહિવત છે. જોકે, દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની સ્થિતિ જોવા મળી શકે છે. વરસાદની તીવ્રતા હાલ ઓછી રહેવાની શક્યતા છે.
ઉત્તર ગુજરાતમાં પવનની ગતિ વધુ રહેશે
આગામી દિવસોમાં ઉત્તર ગુજરાતમાં પવનની ગતિ પ્રમાણમાં વધુ રહેવાની શક્યતા છે. પવન આશરે 15થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે. બીજી તરફ અમદાવાદ સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 6 દિવસમાં રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે. મોન્સૂન ટ્રફ સક્રિય હોવાથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે.
ગુજરાતમાં સામાન્ય કરતાં 12 ટકા ઓછો વરસાદ
રાજ્યમાં અત્યાર સુધીના વરસાદના આંકડા પર નજર કરીએ તો ગુજરાતમાં 586 મીમીના સામાન્ય વરસાદ સામે 513 મીમી વરસાદ નોંધાયો છે. એટલે કે રાજ્યમાં અત્યાર સુધી સામાન્ય કરતાં આશરે 12 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની ઘટ વધુ જોવા મળી રહી છે. આ બંને વિસ્તારોમાં અત્યાર સુધી 408 મીમીના સામાન્ય વરસાદ સામે માત્ર 252 મીમી વરસાદ નોંધાયો છે. આમ, સૌરાષ્ટ્ર-કચ્છમાં સામાન્ય કરતાં આશરે 35 ટકા ઓછો વરસાદ નોંધાયો છે.
સપ્ટેમ્બરમાં કેટલો વરસાદ પડશે?
હાલ આગામી 6 દિવસ માટે હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન આપવામાં આવ્યું છે. જ્યારે સપ્ટેમ્બર મહિનામાં વરસાદ શક્યતાઓ છે. સપ્ટેમ્બર મહિનાની શરુઆત સાથે જ રાજ્યમાં કેટલાક જિલ્લામાં વરસાદ વરસી શકે છે.
ચોમાસાની સિઝનમાં રાજ્યમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતાં 12 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. આંકડાકીય વિગતો મુજબ, ગુજરાતમાં સિઝનનો સરેરાશ 20.52 ઈંચ વરસાદ થયો છે, જે સામાન્ય રીતે અત્યાર સુધીમાં 23.44 ઈંચ હોવો જોઈએ.
છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં વરસાદે લાંબો વિરામ લીધો છે. આ કારણે જગતના તાત કહેવાતા ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા છે. મોંઘા ભાવના બિયારણ લાવીને વાવણી તો કરી દીધી પણ હવે જ્યારે પાકને પાણીની સૌથી વધુ જરૂર છે ત્યારે જ વરસાદ ખેંચાતા રાજ્યમાં ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે.
