અમરેલીના રાજુલામાં સિંહણે યુવકને ફાડી ખાધો, યુવકનું માથું ધડથી અલગ કર્યું
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામે એક યુવક પર સિંહણે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે.

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામે એક યુવક પર સિંહણે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. રાજુલાના કોવાયા ગામે અલ્ટ્રાટેક TPP પાવર પ્લાન્ટ પાસે આવેલી રેસ્ટોરન્ટમાં કામ કરતા એક પરપ્રાંતીય યુવકને સિંહણે પોતાનો શિકાર બનાવીને ફાડી ખાધો છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભયનો માહોલ છવાઈ ગયો છે.
યુવક પર સિંહણનો ઘાતકી હુમલો
પ્રાપ્ત વિગતો અનુસાર, મૃતક યુવકનું નામ પ્રકાશચંદ્ર છે અને તે મૂળ ઉત્તરાખંડનો વતની હતો. તે કોવાયા ગામ નજીક આવેલી રેસ્ટોરન્ટમાં કામ કરતો હતો. ગત મોડી રાત્રે પ્રકાશચંદ્ર પોતાના વતન ઉત્તરાખંડ જવા માટે હોટલથી નીકળ્યો હતો. આ દરમિયાન કોવાયા ગામ નજીક સિંહણે અચાનક તેના પર હિંસક હુમલો કર્યો હતો. સિંહણ યુવકને ઢસડીને ઝાડીઓમાં લઈ ગઈ હતી જ્યાં તેણે યુવકનું માથું ધડથી અલગ કરી નાખ્યું હતું અને આખું શરીર ફાડી ખાધું હતું.
સવારે જ્યારે આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને વન વિભાગની ટીમ સ્થળ પર દોડી આવી ત્યારે ત્યાંના દ્રશ્યો રૂંવાડા ઊભા કરી દે તેવા હતા. સિંહણના હુમલામાં મૃતક યુવકની માત્ર ખોપડી તેમજ પાંસળીના હાડકાંના અવશેષો જ જોવા મળ્યા હતા.
સિંહણને પકડવા વન વિભાગનું ઓપરેશન
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સિંહણને વહેલી તકે પાંજરે પૂરવા વન વિભાગ દ્વારા ગીચ વિસ્તારોમાં મેગા સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે. વન્યજીવ ડોક્ટરોની વિશેષ ટીમ પણ બચાવ સાધનો સાથે તૈનાત કરવામાં આવી છે અને અન્ય સિંહોની હાજરીની સંભાવનાને પગલે સમગ્ર વિસ્તારને ચારેય બાજુથી કોર્ડન કરી દેવાયો છે.
સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ
આ ઘટના બાદ વન વિભાગ સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કોવાયા ગામના સરપંચે માંગ કરી હતી કે આ વિસ્તારમાં સિંહોની સંખ્યા વધુ હોવાથી વહેલી તકે ટ્રેકરની ભરતી કરવામાં આવે જેથી સિંહોને કાબૂમાં રાખી શકાય અને માનવ સુરક્ષા સુનિશ્ચિત થાય. બીજી તરફ, વન વિભાગ દ્વારા સ્થાનિક ગ્રામજનોને રાત્રિના સમયે એકલા બહાર ન નીકળવા, સીમ વિસ્તારોમાં પૂરતી સાવચેતી રાખવા અને કોઈ પણ શંકાસ્પદ હિલચાલ જણાય તો તાત્કાલિક વન વિભાગને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.






















