ગાંધીનગર: રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. તમામ પક્ષો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે.  ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી 2024 અને વિધાનસભા પેટાચૂંટણીમાં પાંચ બેઠકો પર પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દિધા છે, પરંતુ કૉંગ્રેસે હજુ સુધી લોકસભાની ચાર બેઠકો અને વિધાનસભા પેટા  ચૂંટણીની પાંચ બેઠકો પર પોતાના ઉમેદવારો જાહેર કર્યા નથી. શુક્રવારથી ફોર્મ ભરાવાની શરુઆત થઈ જશે, પરંતુ કૉંગ્રેસના ઉમેદવારોના હજુ સુધી નામ જાહેર કરાયા નથી. 


લોકસભા ચૂંટણી માટે કૉંગ્રેસે જે ચાર ઉમેદવારો જાહેર કરવાના બાકી છે તેમાં અમદાવાદ પશ્ચિમ, રાજકોટ, નવસારી, મહેસાણા બેઠકનો સમાવેશ થાય છે.  ભરુચ અને ભાવનગર બેઠક પર ઈન્ડિયા ગઠબંધનમાંથી આમ આદમી પાર્ટીએ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. ભાવનગર બેઠક પર ઉમેશ મકવાણાને ટિકીટ આપવામાં આવી છે, જ્યારે ભરુચ બેઠક પર ચૈતર વસાવાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ભાવનગરમાં ભાજપે નિમુબેન બાંભણિયાને અને ભરુચમાં મનસુખ વસાવાને ટિકીટ આપી છે. 


વિધાનસભા પેટા ચૂંટણીની વાત કરીએ તો ભાજપે પાંચ બેઠકો પર પક્ષ પલટુઓને ટિકીટ આપી છે. પોરબંદરમાં અર્જૂન મોઢવાડિયા, ખંભાતમાં ચિરાગ પટેલ, માણાવદરમાં અરવિંદભાઈ લાડાણી, વિજાપુરમાં સીજે ચાવડા અને વાઘોડિયામાં ગત ચૂંટણીમાં અપક્ષ તરીકે જીતેલા ધર્મેંદ્રસિંહ ઝાલાને ભાજપે મેદાનમાં ઉતાર્યા છે. કૉંગ્રેસ આ પાંચ વિધાનસભા પેટા ચૂંટણી બેઠકો પર હજુ સુધી ઉમેદવારો જાહેર કર્યા નથી. 


આ 7 તબક્કામાં યોજાશે મતદાન


દેશમાં લોકસભાની ચૂંટણી કુલ 7 તબક્કામાં થશે. ચૂંટણીના પરિણામો 4 જૂને આવશે.



  • પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થશે. આ સમયગાળા દરમિયાન 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થશે. પ્રથમ તબક્કામાં લોકસભાની કુલ 102 બેઠકો પર મતદાન થશે.

  • બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલે થશે. બીજા તબક્કામાં દેશના 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થશે. આ સમયગાળા દરમિયાન દેશમાં લોકસભાની 89 બેઠકો પર ચૂંટણી યોજાશે. 

  • ત્રીજા તબક્કામાં 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 94 લોકસભા બેઠકો પર મતદાન થશે. ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ થશે.

  • ચોથા તબક્કા હેઠળ 13 મેના રોજ મતદાન થશે. આ સમયગાળા દરમિયાન દેશના 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 96 લોકસભા બેઠકો પર મતદાન થશે.

  • પાંચમા તબક્કાનું મતદાન 20 મેના રોજ થશે. આ સમયગાળા દરમિયાન 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 49 લોકસભા બેઠકો પર મતદાન થશે.

  • છઠ્ઠા તબક્કામાં 25 મેના રોજ મતદાન થશે. આ દિવસે દેશના સાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 57 લોકસભા બેઠકો પર મતદાન થશે.

  • સાતમા અને છેલ્લા તબક્કાનું મતદાન 1 જૂને થશે. છેલ્લા તબક્કામાં 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થશે. આ દરમિયાન 57 લોકસભા સીટો પર મતદાન થશે.