Panchmahal : ગુજરાતમાં લમ્પી વાયરસે હાહાકાર મચાવી દીધો છે અને દુધાળા પશુઓ ટપોટપ મરી રહ્યાં છે. ગુજરાતમાં લમ્પી વાયરસના કહેર વચ્ચે લમ્પી વાયરસ અંગે પંચમહાલ ડેરીના ચેરમેન જેઠા ભરવાડે મોટું નિવેદન આપ્યું છે.
શું કહ્યું પંચમહાલ ડેરીના ચેરમેન જેઠા ભરવાડે ?
પંચમહાલ ડેરીના ચેરમેન જેઠા ભરવાડે નિવેદન આપ્યું છે કે લમ્પી વાયરસ નવો વાયરસ નથી, ગયા વર્ષે પણ લમ્પી વાયરસના કેસો સામે આવ્યા હતા. તેમણે કહ્યું કે ગયા વર્ષે લમ્પી વાયરસના 10 હજાર કેસો સામે આવ્યા હતા અને તે તમામ અસરગ્રસ્ત પશુઓની સારવાર કરવામાં આવી હતી અને તમામને સાજા કરવામાં આવ્યા હતા, કોઈ પશુનું મોત થયું નહોતું.
આ વર્ષે પંચમહાલ,દાહોદ અને મહીસાગરમાં 203 કેસો સામે આવ્યા
વધુમાં જેઠા ભરવાડે કહ્યું કે આ વર્ષે પંચમહાલ,દાહોદ અને મહીસાગર જિલ્લામાં થઈને તા.01-04-2022 થી તા.05-08-2022 સુધીમાં 203 કેસો સામે આવ્યા છે જે તમામની સારવાર કરવામાં આવી છે. 05-08-2022 ના રોજ પંચમહાલમાં 16 અને મહીસાગરમાં 5 કેસો મળી આવેલા છે.
લમ્પી વાયરસ સામે પંચમહાલ ડેરીની કામગીરી
પંચમહાલ ડેરીના 70 પશુચિકિત્સકો દ્વારા ત્રણેય જિલ્લામાં રસીકરણ અને જરૂરી સારવારની કામગીરી કરવામાં આવી રહી છે. પંચમહાલ ડેરીના 3.50 લાખ સભાસદોને આ વાયરસથી બચવા માટેના ઉપાયો અને જાળવણી માટેની સમજ પત્રિકાઓ દ્વારા આપવામાં આવી છે. લમ્પી વાયરસના કેસોને લઈને પંચમહાલ ડેરીમાં દૂધની આવક પર કોઈ અસર જોવા મળી નથી.
જામનગરમાં કોંગ્રેસ નેતાએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો
ગુજરાતમાં એક રાજકીય ઘટનાએ બધાને ચોંકાવી દીધા છે. જામનગરમાં કોંગ્રેસ નેતાએ આત્મવિલોપનનો પ્રયાસ કરતા હડકંપ મચી ગયો છે. રાજ્યભરમાં જ્યારે એકબાજુ લમ્પી વાઇરસે હાહાકાર મચાવ્યો છે, ત્યારે આજે જામનગર કલેક્ટર કચેરી ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને જિલ્લા કલેક્ટરની બેઠક યોજાઇ હતી. આ દરમિયાન બનેલી આ ઘટનાએ બધાને દોડતા કરી દીધા હતા.
જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ આત્મવિલોપન કરવાની ઘટના હાલમાં ટૉક ઓફ ધ ટાઉન બની છે. દિગુભા જાડેજા આત્મવિલોપન કરવા માટે પોતાના શરીર કેરોસિન પણ છાંટી દીધુ હતું. જોકે, આત્મવિલોપન કરે તે પહેલાં જ પોલીસે તેમની અટકાયત કરી હતી. આ દરમિયાન કલેક્ટર કચેરી બહાર ભારે હોબાળો મચતાં લોકોનાં ટોળાં એકઠા થયાં હતાં.