Mansukh Vasava attack: નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને જે પરાજય વેઠવો પડ્યો છે, તેના કારણે હવે પાર્ટીમાં આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. ભાજપના મનોમંથન દરમિયાન સાંસદ મનસુખ વસાવાએ જિલ્લા સંગઠનના નેતાઓ પર પોતાનો બળાપો કાઢતા ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જિલ્લાના નેતાઓની વિરોધ પક્ષના નેતા ચૈતર વસાવા સાથે સાંઠગાંઠ છે અને જો તેમનામાં લડવાની ક્ષમતા ન હોય તો તેમણે તાત્કાલિક પદ છોડી દેવું જોઈએ.
મનસુખ વસાવાએ જિલ્લા સંગઠન પ્રભારી અર્જુન ચૌધરીને 'કઠપૂતળી' જેવા ગણાવ્યા હતા, જ્યારે જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ પર આકરા પ્રહાર કરતા તેમને 'રાક્ષસી વૃત્તિ'વાળા ગણાવ્યા હતા. વસાવાએ દાવો કર્યો કે નીલ રાવ સવારે 9 કે 10 વાગ્યે તો ઉઠે છે અને આખો દિવસ AC ઓફિસમાં જ બેસી રહે છે. ચૂંટણી દરમિયાન એક પણ સીટ જીતાડવા માટે નીલ રાવે કોઈ કામગીરી કરી નથી અને ઉલટાનું મનસુખ વસાવાનું સોશિયલ મીડિયા કાર્યાલય પણ બંધ કરાવી દીધું હતું. તેમણે ટોણો મારતા કહ્યું કે જે લોકો મોડા ઉઠે છે તેમને જ રાક્ષસી વૃત્તિના માણસો કહેવાય.
સાંસદે કાર્યકરોને સંબોધતા કહ્યું કે, આપણે આ નેતાઓના ભરોસે નથી રહેવાનું, કારણ કે આ લોકોની ચૈતર વસાવા સામે લડવાની કોઈ તૈયારી જ નથી. આપણે 2027ની ચૂંટણી માટે અત્યારથી જ કમર કસવાની છે અને નાંદોદ તથા ડેડિયાપાડા જેવી બેઠકો જીતવાની છે. તેમણે વધુમાં ઉમેર્યું કે જૂના કાર્યકરો હજુ પણ કામ કરવા સક્ષમ છે, પરંતુ નવા લોકોને ચાન્સ આપ્યો છતાં તેઓ નિષ્ફળ રહ્યા છે. જો જિલ્લાના જવાબદાર હોદ્દેદારો કામ કરવા સક્ષમ ન હોય, તો તેમણે રસ્તો માપી લેવો જોઈએ.
સ્થાનિક ચૂંટણીઓ વચ્ચે મનસુખ વસાવાનો મોટો ધડાકો: લોકસભા ચૂંટણી ન લડવાની કરી જાહેરાત!
બીજી તરફ, આ ગંભીર આરોપો પર જિલ્લા પ્રભારી અર્જુન ચૌધરીએ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે મનોમંથન બેઠકમાં અમને બોલાવવામાં જ નહોતા આવ્યા. મનસુખ વસાવા અમારા વડીલ છે, પરંતુ તેમણે જે આક્ષેપો કર્યા છે તે તદ્દન ખોટા છે. અર્જુન ચૌધરીએ બચાવ કરતા કહ્યું કે મને તો ચૂંટણીના માત્ર 5 દિવસ પહેલા જ પ્રભારી બનાવવામાં આવ્યો હતો, તેથી આ હાર માટે મને જવાબદાર ગણવો યોગ્ય નથી. જોકે, તેમણે આશા વ્યક્ત કરી હતી કે આવનારા સમયમાં અમે બધું ઠીક કરી દઈશું.
