Mehsana Rain: ગુજરાતમાં સતત વરસાદ વરસી રહ્યો છે, ઉત્તર ગુજરાત અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં ભારે વરસાદના કારણે ધરોઇ ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઇ રહ્યો છે. મહેસાણા જિલ્લામાં આવેલો ધરોઈ ડેમ ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે ઓવરફલો થવાની સપાટી પર પહોંચ્યો છે. હાલમાં ડેમના ચાર દરવાજા ખોલીને પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. નીચાણવાળા વિસ્તારોને તંત્રએ એલર્ટ રહેવા સૂચના આપી છે. 

ગુજરાતમાં ભારે વરસાદના કારણે અનેક નદીઓમાં પૂરની સ્થિતિ છે, તાજા અપડેટ પ્રમાણે, ઉત્તર ગુજરાતનો ધરોઈ ડેમ હાલ 58 ટકા થી વધુ ભરાયો છે, જેમાં આજની તારીખે 59,444 ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. માહિતી પ્રમાણે, મહેસાણાના ધરોઈ ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા છે, અને સાબરમતી નદીમાં 58,880 ક્યૂસેક પાણી છોડાઇ રહ્યું છે. સાબરમતી નદીમાં પાણી છોડવાને લઈ 7 કલેક્ટરોને જાણ કરવામાં આવી છે. સાબરમતીમાં પાણી વધતા મહેસાણા, સાબરકાંઠાના નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ કરાયા છે, આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરના નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ અપાયા છે. ખેડા જિલ્લામાં સાબરમતી નદી કાંઠાના વિસ્તારના પણ એલર્ટ કરાયા છે. ધરોઈ ડેમમાં 59 હજાર 444 ક્યૂસેક પાણીની આવક થઇ રહી છે, ધરોઈ ડેમમાં હાલ 94.20 ટકા પાણીનો જથ્થો છે.

ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમની જળસપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ભારે વરસાદના કારણે ગુજરાતના જળાશયોમાં પાણીનો સારો એવો સંગ્રહ થયો છે. ઉપરવાસમાં પડેલા વરસાદનું પાણી હજુ પણ ધરોઈ ડેમમાં જમા થઈ રહ્યું છે. ડેમમાં પાણીની આવક થતા હવે આગામી વર્ષ પીવાના પાણીની સમસ્યા નહીં સર્જાય. 

ગુજરાતમાં વરસાદ તબાહી મચાવશે, અંબાલાલે ઓગસ્ટની તારીખો માટે કરી ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું કે, હાલમાં મહારાષ્ટ્રમાં અને ખાસ કરીને મુંબઈમાં તોફાની વરસાદ વરસી પડ્યા પછી આ સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી છે, આવામાં રાજ્યમાં આગામી સમયમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, રાજ્યના કેટલાક સ્થળો પર ભારેથી અતિ ભારે વરસાદ આફત બનીને તૂટી પડે શકે છે. ઓગસ્ટના અંત સુધીમાં અને સપ્ટેમ્બરની શરુઆતમાં વરસાદનું જોર વધવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. જેની સાથે તેમણે નદીઓને નવા નીર મળવાની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે. અંબાલાલે સૌરાષ્ટ્રની સાથે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર જોવા મળશે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલે અગાઉ કરેલી આગાહીમાં જણાવ્યું હતું કે, 30 ઓગસ્ટ સુધીમાં અને સપ્ટેમ્બરની શરુઆતમાં રાજ્યના ઘણાં ભાગોમાં ભારે વરસાદી ઝાપટાં થવાની શક્યતાઓ છે. મધ્યપ્રદેશમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે, જેના કારણે નર્મદા નદી બે કાંઠે થશે તેવી પણ સંભાવનાઓ અંબાલાલ વ્યક્ત કરી રહ્યા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ગણેશ ચતુર્થી અને પર્યુષણના તહેવારો દરમિયાન વરસાદ મન મૂકીને વરસશે તેવી શક્યતાઓ છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત સહિતના ભાગોમાં ભારે વરસાદ કે ભારે વરસાદી ઝાપટાં થવાની શક્યતાઓ છે.