અમદાવાદ : સૌરાષ્ટ્રમાં મેઘરાજા સટાસટી બોલાવશે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ મેઘરાજા ગાજવીજ સાથે વરસશે. મોનસૂન ટ્રફ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા આગામી સાત દિવસ રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
હવામાન વિભાગ મુજબ આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અતિભારે વરસાદ વરસી શકે છે. ગાજવીજ સાથે 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની પણ હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.
આજે ચાર જિલ્લામાં વરસાદનું યલ્લો એલર્ટ
આજે ચાર જિલ્લા અને સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે આવતીકાલે સૌરાષ્ટ્રના જૂનાગઢ અને ગીર સોમનાથ, ઉત્તર ગુજરાતના સાબરકાંઠાની સાથે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે સંઘ પ્રદેશ દીવ,દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
આવતીકાલે 12 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્રના પોરબંદર, રાજકોટ, અમરેલી અને ભાવનગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લીની સાથે મહીસાગર, સુરત, તાપી અને ડાંગમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ભારે વરસાદની આગાહીને પગલે રાજ્યના તમામ બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવી લેવામાં આવ્યું છે. પાંચ દિવસ માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
રાજ્યના 212 તાલુકાઓમાં વરસાદ વરસ્યો
છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 33 જિલ્લાના 212 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જે અંતર્ગત સૌથી વધુ વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં 4 ઇંચ જેટલો અને ધરમપૂર તાલુકામાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત નવસારીના ખેરગામ, વલસાડના કપરાડા તેમજ સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકામાં 2 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે, તેમ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરની યાદીમાં જણાવ્યું છે.
ગુજરાતમાં સરેરાશ 75 ટકાથી વધુ વરસાદ
રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા 21 ઓગસ્ટ 2025ની સ્થિતિએ સરેરાશ 75 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ 78.99 ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં, કચ્છમાં 78.81 ટકા, સૌરાષ્ટ્રમાં 76.36 ટકા, ઉત્તર ગુજરાતમાં 74.67 ટકા જ્યારે પૂર્વ-મધ્યમાં 71.97 ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે તેમ, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.