ગાંધીનગર:  રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે. અનેક શહેરોમાં તાપમાન સિંગલ ડિજિટમાં જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં નલિયા સૌથી ઠંડુ શહેર છે.  હાડ થીજવતી ઠંડી પડવાની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.  આવનારા દિવસોમાં પણ કાતિલ ઠંડીને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે.  આગાહી મુજબ ઠંડીનો ચમકારો વધશે. આજથી રાજ્યમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ જશે. 

Continues below advertisement

12 જાન્યુઆરી સુધી કાતિલ ઠંડીનો સામનો કરવો પડશે

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ, રાજ્યના નાગરિકોએ આગામી 12 જાન્યુઆરી સુધી કાતિલ ઠંડીનો સામનો કરવો પડશે. ઉત્તર-પૂર્વ દિશામાંથી ફૂંકાતા ઠંડા પવનોને કારણે સમગ્ર રાજ્યમાં કોલ્ડવેવની સ્થિતિ છે. પવનની ગતિ વધતા ઠંડીનો ચમકારો વધ્યો છે.  હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં રાજ્યમાં 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. જેના કારણે  લઘુત્તમ તાપમાન નીચે જઈ રહ્યું છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત,  સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો છે. 

Continues below advertisement

જૂનાગઢના ગિરનાર પર્વત પર 8.5 ડિગ્રી

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, 12 જાન્યુઆરી સુધી તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. ત્યાં સુધી કાતિલ ઠંડી યથાવત રહેશે. ત્યારબાદ ધીમે-ધીમે તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થતા લોકોને આંશિક રાહત મળી શકે છે તેમ હવામાન વિભાગનું અનુમાન છે.  રાજ્યમાં સૌથી નીચું તાપમાન જૂનાગઢના ગિરનાર પર્વત પર 8.5 ડિગ્રી નોંધાયું છે. જ્યારે મેદાની વિસ્તારોમાં અમરેલી અને કચ્છનું નલિયા 9 ડિગ્રી સાથે શીતલહેરની લપેટમાં છે. રાજધાની ગાંધીનગરમાં પણ પારો 12 ડિગ્રી પર પહોંચતા કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.

હિમવર્ષા થવાની સંભાવના

હિમાચલ પ્રદેશના ચંબા, રોહતાંગ, કિન્નૌર અને મનાલીના ઊંચા વિસ્તારોમાં વરસાદની આગાહી  હવામાન વિભાગે કરી છે. ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં હિમવર્ષા થવાની સંભાવના છે. તમિલનાડુમાં પણ વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. કાશ્મીરના પહાડી વિસ્તારોમાં પણ બરફવર્ષાના કારણે કાતિલ ઠંડીનો ચમકારો વધી ગયો છે.

ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીરમાં વરસાદની અપેક્ષા છે. ઊંચાઈવાળા વિસ્તારોમાં ખાસ કરીને ભારે વરસાદ પડશે. કાશ્મીરના ડોડા, બડગામ અને શોપિયાના ઊંચા પહાડી વિસ્તારોમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. અન્ય કેટલાક પહાડી વિસ્તારોમાં બરફવર્ષા પણ થઈ રહી છે.