અમદાવાદ: જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર, અરબ સાગરમાં બની રહેલી સિસ્ટમની મુવમેન્ટ થવાનું ચાલુ થયું છે હાલ મજબૂત લો પ્રેશર છે આગળ જતા ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. વાવાઝોડાનો ખતરો ટળ્યો હોય તેવું માની શકાય છતાં પણ હજુ મહારાષ્ટ્ર અને ગુજરાતની અંદર સામાન્ય કરતાં વધારે વરસાદ પડવાની સંભાવનાઓ છે. ગુજરાતની અંદર અનેક જગ્યાએ ભારે વરસાદ પણ પડશે અને પવન અને ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. જેથી સૌથી વધારે અસર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળશે તેમ પરેશ ગોસ્વામીએ કહ્યું છે. એક અનુમાન મુજબ 30 મે સુધી રાજ્યમાં વરસાદ યથાવત રહેશે.
આજે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
હાલ આ સિસ્ટમની દિશા ઉત્તર તરફની રહેવાની શક્યતા છે. જેના કારણે આગામી સાત દિવસ સુધી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. આ સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા અને જે પણ દરિયામાં છે તેઓ પરત ફરે તેવી સૂચના આપી છે.
અંબાલાલ પટેલની વાવાઝોડાને લઈ આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વાવાઝોડાને લઈને મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ અરબી સમુદ્રમાં સર્જાયેલ લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. 25થી 26 તારીખ સુધી સ્પષ્ટ થશે વાવાઝોડું આવશે કે નહી. હજુ આ સિસ્ટમ મુંબઈ-ગોવાની આસપાસ છે. હવાના દબાણમાં વધઘટ થઇ રહી છે. 26 કે 27 તારીખ સુધી વાવાઝોડાનો ટ્રેક નક્કી થશે. આજથી હવામાનમાં પલટો આવશે. વરસાદનું જોર વધવાની અંબાલાલ પટેલે આગાહી કરી હતી.
અંબાલાલે કહ્યું હતું કે અરબી સમુદ્રમાં એન્ટી સાયક્લોન બની રહ્યું છે. વાવાઝોડું બનશે કે નહી તે 26 કે 27 તારીખ સુધી નક્કી થશે. હાલમાં કેટલાક વિસ્તારોમાં 65થી 70 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ધીમે ધીમે સમુદ્રમાં 100 કિમીની આસપાસ પવન ફૂંકાશે. મુંબઈની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકશે. વલસાડ સહિતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડશે.
વધુમાં તેમણે કહ્યું હતું કે, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ વરસશે. જૂનાગઢ, ભાવનગર, અમરેલીમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે. આ સિસ્ટમ વાવાઝોડું બને કે ન બને પણ ભારે વરસાદ લઈને આવશે. એન્ટી સાયક્લોન સિસ્ટમ વાવાઝોડાને દરિયામાં ધકેલી રહી છે. દરિયામાં હવાનું દબાણ સતત બદલાતું રહે છે. લો પ્રેશરના કારણે ગુજરાતમાં 31 મે સુધી પવન સાથે વરસાદ રહેશે. લો પ્રેશરના કારણે ગુજરાતમાં 31મી મે સુધી વરસાદ અને તેજ પવન રહેશે. હાલ વાવાઝોડુ મુંબઈ અને ગોવા વચ્ચે છે. હાલ દરિયામાં પવનની ગતિ 65થી 70 કિલોમીટર પ્રતિ કલાકની છે.