વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં  સગીર યુવતી પર અન્ય 2 સગીર યુવકો દ્વારા સામુહિક દુષ્કર્મ કરતા ચકચાર મચી ગઈ છે.  બંને સગીર યુવકોને પોલીસ દ્વારા ઝડપી પાડી જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજુ કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે. 


વલસાડ જિલ્લાના છેવાડાના કપરાડા તાલુકામાં એક સગીરા પર સામૂહિક દુષ્કર્મની ફરિયાદ દાખલ થઈ છે. કપરાડા પોલીસ સ્ટેશનમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મની ફરિયાદ દાખલ થતા જિલ્લાભરની પોલીસના ઉચ્ચ અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી. તપાસમાં બંને સગીર આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 


બનાવની વિગત મુજબ ગત 12  તારીખે વલસાડના કપરાડા તાલુકાના એક ગામમાંથી સગીરા એક લગ્ન પ્રસંગમાંથી મોડી રાત્રે ઘરે પરત ફરી રહી હતી. ત્યારે રસ્તામાં બાજુના જ  ગામમાં રહેતા બે સગીર આરોપીઓએ સગીરાને રસ્તા વચ્ચે રોકી ત્યારબાદ તેને બળજબરી પૂર્વક  ઝાડીઓમાં લઈ જઈ તેના પર સામૂહિક દુષ્કર્મ આચરી સગીરાને છોડી મૂકી હતી. ત્યારબાદ સગીરા ઘરે પહોંચી હતી. પરંતુ પોતાની સાથે થયેલી દુષ્કર્મની વાત પરિવારજનોથી પણ છુપાવી હતી. જોકે ત્યારબાદ પીડિતાની તબિયત લથડતા પરિવારજનોને જાણ થઈ હતી અને પીડિતાને એક સરકારી દવાખાને જતા પોલીસ સુધી મામલો પહોંચ્યો હતો. આથી પોલીસે આ મામલે પીડીતાના નિવેદનના આધારે બે સગીર આરોપીઓ  વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.  ત્યારબાદ તેમને ઝડપી નિયમ મુજબ ની કાર્યવાહી હાથ ધરી હતી. આમ વલસાડના કપરાડામાં સગીરા પર બે સગીર આરોપીઓએ જ સામૂહિક દુષ્કર્મની ઘટનાને કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. જો કે પોલીસે હવે આ મામલે જરૂરી કાર્યવાહી તપાસ હાથ ધરી છે. 


Gujarat: કમોસમી વરસાદથી ઉત્તર ગુજરાતમાં ભારે નુકસાન, માવઠાએ ખેડૂતોને ફરી પાયમાલ કર્યા


ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે. મહેસાણા જિલ્લામાં  બહુચરાજી તાલુકામાં પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદથી ઘઉં,અજમો, એરંડા સહિતના પાકને નુકસાન થયું છે.  ખેડૂતોની માંગ છે કે  સરકાર તાત્કાલિક સર્વે કરાવી સહાય ચૂકવે. આ જ સ્થિતિ અરવલ્લી જિલ્લાની છે.  અરવલ્લીમાં છેલ્લા બે દિવસથી કરા અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. જેને લઈ મોડાસા તાલુકામાં તરબૂચ સહિતના પાકને ભારે નુકસાન  થયું છે. 


મોડાસા તાલુકાના વણિયાદ, કોકાપુર સહિતના ગામોમાં ખેડૂતોએ તરબૂચનું વાવેતર કર્યું હતું પરંતું કરા સાથે વરસાદ વરસતા તરબૂચના પાકને નુકસાન થયું છે. ખેડૂતોએ વેપારીઓ સાથે તરબૂચના સોદા પણ કરેલા જો કે  માવઠાએ ખેડૂતોને ફરી પાયમાલ કર્યા છે. 


બનાસકાંઠા જિલ્લામાં માવઠાએ તારાજી સર્જી છે.  ઘઉં, રાયડો, એરંડો,  જીરું અને બટાટા સહિતના પાકને નુકસાન થયું છે.   પાંથાવાડા માર્કેટ યાર્ડમાં ગઈકાલે એક કલાક ધોધમાર વરસાદ વરસતા યાર્ડ પાણી-પાણી થયું હતું.  યાર્ડમાં ખુલ્લામાં રખાયેલી જણસી પાણીમાં ગરકાવ થઈ હતી.   રાયડો, એરંડો,  ઈસબગુલ સહિતનો તૈયાર પાક પાણીમાં ગરકાવ થતાં ખેડૂતોને મોટું નુકસાન થયું છે.   અંદાજે 5 હજાર કરતાં વધુ બોરી ભરેલો માલ પાણીમાં પલળી જતાં વેપારીઓને પણ નુકસાન થયું છે.  પાટણ જિલ્લામાં કમોસમી વરસાદને લઈ ખેડૂતોને રોડવાનો વારો આવ્યો છે.  સિદ્ધપુર તાલુકામાં ગઈકાલે 2 કલાકમાં એક ઈંચ વરસાદ ખાબકતા ઘઉં સહિતના પાકને નુકસાન થયું છે.