Gir Somnath: ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા પંથકમાં એક સગીર વિદ્યાર્થીનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. સુત્રાપાડામાં આવેલા ઋષિ આશ્રમ નજીક નવદુર્ગા માતાજીના મંદિર પાસેના પવિત્ર શ્રવણકુંડમાંથી આ મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકની પ્રાથમિક ઓળખ પનાદર ગામના વતની વિશ્વાસ રમેશભાઈ વંશ તરીકે થઈ છે. વિશ્વાસ સુત્રાપાડાની આશ્રમ શાળાની હોસ્ટેલમાં રહીને સ્થાનિક વિવેકાનંદ વિનય મંદિર સ્કૂલમાં ધોરણ-9 માં અભ્યાસ કરતો હતો.
વહેલી સવારે અન્ય વિદ્યાર્થીઓ જ્યારે ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમને શ્રવણકુંડમાં લોહીલુહાણ હાલતમાં મૃતદેહ નજરે પડ્યો હતો. સગીર વિદ્યાર્થીના મોતના સમાચાર વાયુવેગે પ્રસરતા સમગ્ર વિસ્તારમાં અનેક તર્ક-વિતર્કો વહેતા થયા છે અને મોતનું કારણ હજુ સુધી અસ્પષ્ટ હોવાથી રહસ્ય વધુ ઘેરાયું છે. ઘટનાની ગંભીરતાને જોઈને સુત્રાપાડા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આ ઉપરાંત ઘટનાની જાણ થતાં જ મૃતકના પરિવારજનો અને કોળી સમાજના આગેવાનો તથા લોકો પણ મોટી સંખ્યામાં સ્થળ પર પહોંચી ગયા હતા. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) અર્થે ખસેડીને આ મામલે કાયદેસરની કાર્યવાહી કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
આ પણ વાંચો...નવરાત્રી પહેલા વેપારીઓને મોટી રાહત, દુકાન-મોલ-હોટલ 24 કલાક ખુલ્લા રાખી શકાશે
લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક 14 થયો
ભાવનગરના લઠ્ઠાકાંડને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ભાવનગરમાં ઝેરી લઠ્ઠો પીવડાવી મિત્રોએ જ મિત્રની હત્યા કર્યાનો ઘટસ્ફોટ થયો છે. વધુ એકના મોત સાથે ઝેરીલા લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક 14 પર પહોંચ્યો છે. ભાવેશ વિસાણી નામના રિક્ષા ચાલકનું મોત થતા મૃત્યુઆંકમાં વધારો થયો છે. ભાવેશની હત્યાનો આરોપ મુકેશ પટેલ અને સંજય નામના મિત્ર પર લાગ્યો છે.
ઝેરી રોયલ સ્ટેગ પીધા બાદ ભાવેશની તબિયત લથડી
ભાવેશને ઝેરી રોયલ સ્ટેગની બોટલ સંજય અને મુકેશ પટેલ નામના શખ્સે આપી હતી. ઝેરી રોયલ સ્ટેગ પીધા બાદ ભાવેશની તબિયત લથડી હતી. જેનું સારવાર દરમિયાન મોત થતા પોલીસે મૃતકનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું અને વિસેરા લઈ પરિક્ષણમાં લેબમાં મોકલ્યા હતાં. આ રિપોર્ટમાં ઝેરી દારુ પીવાથી ભાવેશ વિસાણીનું મોત થયાનો ઉલ્લેખ છે. ભાવનગર લઠ્ઠાકાંડમાં બાકી બે પોલીસ કોન્સ્ટેબલ અને દિલ્લીના શખ્સને પણ શુક્રવારના રિમાન્ડ પૂર્ણ થયા બાદ જેલ હવાલે કરાયા. ત્યારે હવે ઝેરી લઠ્ઠાકાંડમાં મુખ્ય સૂત્રધાર ગૌતમ સોલંકી અને રઈસ સહિત કુલ 40 લોકો જેલમાં છે. જ્યારે આ મામલે એસએમસીની તપાસ દરમિયાન ફરજ બેદરકારીને લઈ બે પીઆઈ, એક મહિલા એએસઆઈ, ચાર કોન્સ્ટેબલ સહિત 7ને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
