MLA CJ Chavda Statement: ગુજરાતમાં મકરસંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ (Uttarayan) ના પર્વ પર માત્ર આકાશમાં જ નહીં, પરંતુ રાજકીય મેદાનમાં પણ પતંગબાજી જોવા મળી હતી. ભાજપના ધારાસભ્ય સી.જે. ચાવડાએ (MLA C.J. Chavda) પતંગ ચગાવતી વખતે પોતાના જૂના પક્ષ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને પોતાની વર્તમાન રાજકીય સ્થિતિ અંગે મહત્વનું નિવેદન આપ્યું હતું.
તેમણે ઉત્તરાયણની મજા માણતા માણતા રાજકીય ભવિષ્યવાણી કરતા જણાવ્યું હતું કે, તેમને પૂરો વિશ્વાસ છે કે તેમનો રાજકીય પતંગ પણ ઊંચા આકાશમાં ઉડશે. તેમણે પોતાના ભૂતકાળને યાદ કરતા એક રૂપકનો ઉપયોગ કર્યો અને કહ્યું કે, અગાઉ તેમની પાસે દોરી સારી હતી અને પવન પણ સારો હતો, પરંતુ તેઓ જે જગ્યાએ (કોંગ્રેસમાં) હતા તે જગ્યા જ સારી નહોતી, જેના કારણે પતંગ બરાબર ચગ્યો ન હતો. હવે યોગ્ય જગ્યા મળતા તેમનો વારો પણ આવશે અને પતંગ ચોક્કસ ચગશે.
ભાજપની આંતરિક કાર્યશૈલી અને શિસ્તના વખાણ કરતા ચાવડાએ કહ્યું હતું કે, ભારતીય જનતા પક્ષ (BJP) માં એક ખાસિયત છે કે અહીં બધા વારાફરતી પતંગ ઉડાવે છે. અહીં કોઈ એકબીજાના પતંગ કાપવા માટે અંદરોઅંદર પેચ લડાવતું નથી, જે સંગઠનની મજબૂતી દર્શાવે છે.
તેમણે કટાક્ષ કરતા કહ્યું કે જ્યારે પક્ષે પતંગ ખરીદ્યા જ હોય, તો તેને ઉડાવવા તો પડે જ. બીજી તરફ તેમણે કોંગ્રેસ (Congress) અને આમ આદમી પાર્ટી પર નિશાન સાધતા કહ્યું હતું કે વિરોધ પક્ષોમાં સ્થિતિ વિપરીત છે. ત્યાં મુખ્ય પતંગ કોણ બનશે તેની જ ખેંચતાણ ચાલી રહી છે અને દોરી હાથમાં આવે તે પહેલાં તો લૂંટફાટ થઈ જાય છે.
રાહુલ ગાંધી (Rahul Gandhi) પર શાબ્દિક પ્રહારો કરતા સી.જે. ચાવડાએ મોટી આગાહી કરી હતી. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી પતંગ તૈયાર કરી રહ્યા છે, પરંતુ તેમને પતંગ ચગાવતા પહેલા કીન્ના બાંધતા કે દોરી ઘસતા આવડતું નથી. આવી પાયાની તૈયારીના અભાવે રાહુલ ગાંધીનો પતંગ 2027 તો શું, 2028 માં પણ ઉડવાનો નથી.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે કોંગ્રેસમાં નેતૃત્વનો અભાવ છે, જ્યારે બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અત્યારથી જ 2029 ના વર્ષ માટેનો પતંગ સજાવી રહ્યા છે. આ નિવેદન દ્વારા તેમણે દર્શાવ્યું હતું કે ભાજપનું નેતૃત્વ કેટલું દૂરંદેશી છે અને વિપક્ષ હજુ પણ અંદરોઅંદરની લડાઈમાં વ્યસ્ત છે. સી.જે. ચાવડાના આ નિવેદને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે.