Gujarat Rain Forecast: ગુજરાતમાં ચોમાસાના વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઇ ગયો છે. હવામાન વિભાગ દ્વારા આજે ગુજરાતમાં આગામી બે કલાક દરમિયાન 21 જિલ્લાઓ અને 3 સંઘપ્રદેશોમાં 41 થી 61 કિમી પ્રતિ કલાકની ઝડપે ફુંકાતા પવન સાથે અતિભારે સાર્વત્રિક વરસાદ પડવાની ગંભીર ચેતવણી અને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વાતાવરણમાં સર્જાયેલી સાયક્લોનિક સિસ્ટમને કારણે રાજ્યભરમાં આ સાર્વત્રિક વરસાદની તીવ્ર શક્યતા વ્યક્ત કરાઈ છે.

Continues below advertisement

હવામાન વિભાગની વિગતવાર આગાહી મુજબ, મધ્ય અને દક્ષિણ ગુજરાતના અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાઓમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને જૂનાગઢ સહિત કેન્દ્રશાસિત પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ મુશળધાર વરસાદની શક્યતા છે. બીજી તરફ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના ૧૬ જિલ્લાઓ જેવા કે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, આણંદ, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ અને કચ્છમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વાવાઝોડા જેવા પવનને કારણે નીચાણવાળા વિસ્તારો અને કાચા મકાનોને નુકસાન થવાની ભીતિ છે.

Continues below advertisement

આગામી કલાકોમાં વાવાઝોડા સાથે તૂટી પડનારા વરસાદને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર પૂરી રીતે સજ્જ બન્યું છે. તંત્ર દ્વારા નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા, સુરક્ષિત સ્થળોએ રહેવા અને દરિયાકાંઠાના વિસ્તારોથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે.

છેલ્લા 24 કલાકમાં 213 તાલુકાઓમાં મુશળધાર વરસાદ 

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદે જોરદાર બેટિંગ કરી હતી અને કુલ 213 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના ઉમરગામમાં 35.67 ઇંચ નોંધાયો હતો. ત્યારબાદ કપરાડામાં 28.78 ઇંચ, નાનાપોંઢામાં 25.31 ઇંચ, ધરમપુરમાં 19.65 ઇંચ, પારડીમાં 17.64 ઇંચ, વાપીમાં 16.26 ઇંચ અને વલસાડ શહેરમાં 15.87 ઇંચ વરસાદ વરસ્યો હતો. નવસારી જિલ્લાના વાંસદામાં 17.13 ઇંચ, ખેરગામમાં 14.09 ઇંચ, ચીખલીમાં 7.91 ઇંચ, ગણદેવીમાં 7.72 ઇંચ, જલાલપોરમાં 7.24 ઇંચ અને નવસારી શહેરમાં 6.93 ઇંચ વરસાદ નોંધાયો હતો.