Gujarat Rain: લાંબા વિરામ બાદ ગુજરાતમાં મેઘરાજા ફરી એકવાર ધમાકેદાર એન્ટ્રી કરી છે, છેલ્લા 24 કલાકમાં 181 તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. ગુજરાતમાં એકસાથે ચાર વરસાદી સિસ્ટમ એક્ટિવ થતાં રાજ્યના ઉત્તરના ભાગોમાં વધુ વરસાદ ખાબકશે. હવામાન વિભાગે આજે રાજ્યના ત્રણ જિલ્લામાં ભારે વરસાદનુ અનુમાન આપ્યુ છે, આ ઉપરાંત 13 જિલ્લામાં એલર્ટ જાહેર કરાયુ છે.
તાજા અપડેટ પ્રમાણે, હવામાન વિભાગે આગામી પાંચ દિવસ, એટલે કે 26 થી 31 જુલાઈ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી શકે છે. ત્યારે જાણો આજે 26 જુલાઈથી 01 ઓગસ્ટ સુધી રાજ્યના કયા કયા વિસ્તારોમાં વરસાદ વરસશે. રાજ્યમાં એકસાથે ચાર સિસ્ટમ સક્રિય થતા 3 જિલ્લામાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયુ છે, જેમાં સાબરકાંઠા, અરવલ્લીમાં આજે અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ છે, આ ઉપરાંત મહિસાગર જિલ્લામાં અતિથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. આજે બનાસકાંઠા, પાટણમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે, આજે મહેસાણા, સુરેંદ્રનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે અને રાજ્યના 13 જિલ્લામાં હવામાન વિભાગે વરસાદનું યલો એલર્ટ આપ્યુ છે.
વિવિધ વેધર મોડલના અનુમાન પ્રમાણે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત માટે આગામી 2 દિવસ અતિભારે છે. કારણ કે શનિવાર રાતથી જ આ સિસ્ટમની અસર મધ્ય ગુજરાતના દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, વડોદરા, મહીસાગર, આણંદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા સહિતના જિલ્લામાં જોવા મળી શકે છે. ઉપરાંત મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠામાં પણ અતિભારે વરસાદ થઈ શકે છે. હાલ આ સિસ્ટમની દિશા ગુજરાત તરફ છે. છેલ્લા 12 કલાકમાં સિસ્ટમના ટ્રેકમાં ઘણો ફેરફાર થયો છે. 12 કલાક પહેલા આ સિસ્ટમની દિશા ગુજરાત તરફ નહીં પરંતુ ઉત્તર પ્રદેશ સહિતના ઉત્તર ભારતના રાજ્યો પર હતી. જોકે, હવે તે મધ્યપ્રદેશ તરફ આગળ વધી રહી છે. એવામાં જો તેના ટ્રેકમાં કોઈ ફેરફાર નહીં થાય તો આગામી 36 કલાકમાં ગુજરાતના 14 જિલ્લામાં તોફાની વરસાદ જોવા મળી શકે છે.