Monsoon Season Data Update: ગુજરાતમાં અત્યારે ચોમાસાની સિઝન પુરજોશમાં જામી છે. પ્રથમ રાઉન્ડમાં સુરત સહિતના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મેઘરાજાએ કહેર વર્તાવ્યો હતો. હવે બીજા રાઉન્ડમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. બીજા રાઉન્ડમાં પણ દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ખાસ વાત છે કે, સિઝનનો 45 ટકાથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે.   

Continues below advertisement

ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં કુલ 45.84 ટકા વરસાદ નોંધાયો છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 73.67 ટકા મેઘમહેર થઈ છે. તીવ્ર વરસાદ અને જળબંબાકારની પરિસ્થિતિને કારણે સમગ્ર રાજ્યમાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી માટે NDRFની 17 અને SDRFની 32 ટીમો સાથે અમદાવાદમાં 2, નવસારીમાં 2 અને વલસાડમાં 2 આર્મીની ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. રાજ્યભરમાંથી અત્યાર સુધીમાં 5,547 લોકોને સુરક્ષિત સ્થળે રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે, જ્યારે માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગ દ્વારા કડક સૂચના આપવામાં આવી છે.

Continues below advertisement

Purna River: પૂર્ણા નદી બે કાંઠે થતાં નવસારી જિલ્લામાં દોઢ લાખ લોકો પ્રભાવિત, NDRF અને SDRF મેદાને

વરસાદી પાણી ભરાવા અને ઓવરટોપિંગને કારણે રાજ્યમાં 3 નેશનલ હાઇવે અને 30 સ્ટેટ હાઇવે સહિત કુલ 1,204 રસ્તાઓ બંધ થઈ ગયા છે. વલસાડમાં ઓવરટોપિંગના લીધે નેશનલ હાઇવે 47 ઠપ્પ થઈ ગયો છે. સૌથી વધુ રસ્તા વલસાડ, નવસારી અને સુરત જિલ્લામાં બંધ થયા છે. રસ્તાઓ બંધ થતાં GSRTCની 526 રૂટની 2,412 બસ ટ્રિપો રદ કરવી પડી છે, જેનાથી એસ.ટી. નિગમને રૂ. 1 કરોડ 4 લાખથી વધુનું આર્થિક નુકસાન થયું છે. આ ઉપરાંત ધોળકા ડેપો બંધ કરવામાં આવ્યો છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં વીજ પૂરવઠો ખોરવાયો છે.

પ્રાદેશિક તફાવતની વાત કરીએ તો મધ્ય-પૂર્વ ગુજરાતમાં 35.94%, સૌરાષ્ટ્રમાં 38.68%, ઉત્તર ગુજરાતમાં 22.15% અને કચ્છમાં માત્ર 6.32% વરસાદ થયો છે. કેટલાક જિલ્લાઓ હજુ પણ વરસાદની રાહ જોઈ રહ્યા છે, જેમાં દ્વારકામાં સિઝનનો માત્ર 3.12%, કચ્છમાં 7.1%, બનાસકાંઠામાં 14.15%, પોરબંદરમાં 15.01% અને જામનગરમાં 18.12% વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં જળબંબાકાર, 24 કલાકમાં 255 તાલુકાઓ પાણી-પાણી 

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતાં રાજ્યના તમામ 255 તાલુકાઓમાં મુશળધાર વરસાદ નોંધાયો છે. સક્રિય વરસાદી સિસ્ટમને કારણે ખેડા, અમદાવાદ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આકાશી આફતે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ ખેડાના મહેમદાબાદમાં 19.96 ઈંચ અને અમદાવાદના ધોળકામાં 18.62 ઈંચ નોંધાયો છે. નવસારીના ચીખલીમાં 17.76 ઈંચ, ખેરગામ અને વલસાડના ઉમરગામમાં 17.09 ઈંચ તેમજ સુરતના ઉમરપાડામાં 17.05 ઈંચ વરસાદ ખાબક્યો છે. ખેડાના માતરમાં 16.22 ઈંચ, અમદાવાદના વિરમગામમાં 14.61 ઈંચ, વાંસદામાં 14.57 ઈંચ, વઘઇમાં 14.45 ઈંચ અને ગણદેવીમાં 13.07 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં 11.65 ઈંચ, બાવળા, દસક્રોઈ, નડીયાદ, સોજીત્રા, નેત્રંગ, પેટલાદ સહિતના તાલુકાઓમાં 10 થી 13 ઈંચ વચ્ચે સાર્વત્રિક ભારે વરસાદ પડ્યો છે. વલસાડ જિલ્લામાં પરિસ્થિતિ અત્યંત ગંભીર બની છે, જ્યાં છેલ્લા 60 કલાકમાં 55 ઈંચ જેટલો રેકોર્ડબ્રેક વરસાદ ખાબક્યો છે.