ગાંધીનગર: છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે ભારે વરસાદને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી વરસાદ પડે તેવી સંભાવના છે જ્યારે બાકીના વિસ્તારોમાં હળવાંથી લઈને ભારે વરસાદી ઝાપટાં જોવા મળશે.


દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને આગામી સમયમાં મેઘરાજા ધમરોળશે. જેમાં દમણ, દાદરાનગર હવેલી, ડાંગ, નવસારી, વલસાડ અને તાપીમાં ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢના લોકો અતિભારે વરસાદનો સામનો કરવો તેવી સ્થિતિ સર્જાશે. જ્યારે મધ્ય ગુજરાતના અમદાવાદ સહિતના જિલ્લાઓમાં સામાન્ય ઝાપટાં પડે તેવી સંભાવના છે.

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે NDRFની 15 ટીમને સ્ટેંડ બાય રાખવામાં આવી છે. સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, દ્વારકા, ગીરસોમનાથ અને પોરબંદરમાં તો દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડમાં NDRFની ટીમ તૈનાત કરાઈ છે. વડોદરા હેડક્વાર્ટર પર 4 અને ગાંધીનગરમાં 2 ટીમ સ્ટેંડ ટુ રખાઈ છે.

આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, દમણ, ડાંગ, દાદરાનગર હવેલી, સુરત, નવસારી તો સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, દીવમાં અતિભારે તો નર્મદા, તાપી, પોરબંદર, જામનગર, દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

શનિવારે અમરેલી, ગીર સોમનાથમાં અતિભારે, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, જૂનાગઢ, દીવ, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં પણ બે દિવસ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. અત્યાર સુધી રાજ્યમાં સિઝનો 35 ટકા જેટલો વરસાદ વરસી ચુક્યો છે.