Monsoon Update:નવસારી વલસાડ ડાંગ દાદરા નગર દમણ દાહોદ અને છોટા ઉદેપુરમાં પ્રિ મોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ શરૂ થઇ ગયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી 15 જૂનની આસપાસ થઇ શકે છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી ત્રણ દિવસમાં મહારાષ્ટ્રમાં મોનસૂનની એન્ટ્રી થશે. સામાન્ય રીતે મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં પણ ઝડપથી ચોમાસાનું આગમન થઇ જાય છે. આવી સ્થિતિમાં જો 10 જૂનની આસપાસ મહારાષ્ટ્રમાં મોનસૂન દસ્તક દે તો ગુજરાતમાં પણ 13 જૂન સુધીમાં ચોમાસાનું આગમન થઇ શકે છે.
ગુજરાતમાં 15 જૂનની પહેલાં ચોમાસાની શરૂઆત થાય તેવી શક્યતા દેખાઈ રહી છે.
કાળઝાળ ગરમી વચ્ચે અંબાલાલ પટેલે રાહત આપતી આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થવાની આગાહી કરી છે. ગુજરાતમાં આંધી-વંટોળ અને ગાજવીજ સાથે ચોમાસુ શરૂ થશે.
અંબાલાલ પટેલના કહેવા અનુસાર, 15મી જૂન આસપાસ રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થશે. વરસાદની સાથે ખેતીમાં રોગચાળાની પણ પ્રબળ શક્યતા છે. ગુજરાતમાં ચોમાસાની શરૂઆતમાં પવનની ગતિ વધુ રહેશે. ચોમાસાની શરૂઆતે અતિભારે વરસાદ રહેશે. 10મી જુનથી ચોમાસુ મુંબઈથી ગુજરાત તરફ આગળ વધશે. 8મી જુલાઈના રોજ અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ ઉભુ થશે.
દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 30 મેના રોજ નિર્ધારિત કરતા પહેલા કેરળ પહોંચી ગયું હતું. તે જ સમયે, અત્યાર સુધી ચોમાસું તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તર રાજ્યોમાં પહોંચી ગયું છે અને ટૂંક સમયમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં પહોંચવાની સંભાવના છે. હવામાન વિભાગ (IMD) અનુસાર, 15 જૂન સુધીમાં મધ્યપ્રદેશ અને ગુજરાતમાં ચોમાસું પ્રવેશી શકે છે.
ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આ સમયે ભારે ગરમી પડી રહી છે. આ દિવસોમાં ગાંધીનગરમાં દિવસનું તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર રહે છે. હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર ગાંધીનગરમાં આખું સપ્તાહ આકરી ગરમી યથાવત રહેશે. IMDના જણાવ્યા અનુસાર આ સમગ્ર સપ્તાહમાં ગાંધીનગરનું મહત્તમ તાપમાન 42 થી 43 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 28 થી 29 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની શક્યતા છે.
કયાં જિલ્લામાં પડશે વરસાદ
આગામી પાંચથી સાત દિવસ ગુજારતમાં હળવોથી સામાન્ય વરસાદ વરસશે. 9 જૂનના ગીર સોમનાથ, અરવલ્લી, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં વરસાદ વરસશે.10 જૂનના અમરેલી, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, અરવલ્લી, વડોદરા, નવસારી, વલસાડ અને દાહોદમાં વરસાદ પડશે, તો 11 જૂનના અમરેલી, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, અરવલ્લી, નવસારી, વલસાડ, દાહોદ અને વડોદરામાં વરસાદ વરસશે,12 જૂનના ભાવનગર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, અરવલ્લી, અને પંચમહાલ જિલ્લામાં વરસાદ વરસશે.