રાજ્યમાં આગામી ચાર દિવસ માટે ઝડપી પવન અને આંધીની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી હતી કે રાજ્યમાં ચાર દિવસ ઝડપી પવન અને છૂટ્ટા છવાયા સ્થળે વરસાદી ઝાપટા વરસી શકે છે. પવનની ગતિ 20થી 50 કિમી પ્રતિ કલાકની રહેશે.
તેમણે કહ્યું હતું કે 5થી 9 જૂન વચ્ચે રાજ્યમાં અણધાર્યો વરસાદ વરસવાનું અનુમાન છે. 9થી 12 જૂન વચ્ચે મુંબઈ અને મહારાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે. તે સિવાય 12થી 16 જૂન દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. તેમણે કહ્યુ કે 18 જૂન બાદ રાજ્યમાં ચોમાસાની મજબૂત શરૂઆત થશે. 22થી 30 જૂન દરમિયાન સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ વરસશે. અષાઢી બીજના રાજ્યમાં સામાન્ય વરસાદનું અંબાલાલ પટેલનું અનુમાન છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગના મતે રાજ્યમાં આજથી વરસાદનું જોર ઘટશે. રાજ્યમાં છૂટ્ટાછવાયા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. ઉત્તર-પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનો અંદાજ છે. આજે રાજ્યમાં વરસાદને લઈ યલો એલર્ટ જાહેર કરાયું છે. માછીમારોને 1 જૂન સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ હતી. અમદાવાદ, ગાંધીનગરમાં વાદળછાયા વાતાવરણનું અનુમાન છે. તાપમાનમાં આગામી દિવસોમાં 1થી 2 ડિગ્રીના ઘટાડાનું અનુમાન છે. અમદાવાદમાં તાપમાન 39 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે.
વડોદરા મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર છે. ચોમાસાને હવે ગણતરીના દિવસો બાકી છે, એવામાં ત્રણ વરસાદી કાંસની સફાઈ થઇ નથી. ડ્રેનેજ લાઈનની સાફ-સફાઈ પણ બાકી છે. 1 જૂન પહેલા પ્રિ મોન્સૂનની કામગીરી પૂર્ણ કરવાની હોય છે પરંતુ હાલ વડોદરાના માર્ગો પર આડેધડ ખોદકામ જોવા મળે છે. માંજલપુરમાં તો 2 કિલોમીટરનો રોડ બેસી ગયો છે. નવાયાર્ડમાં ભૂકી કાંસ પરની 76 ફૂટની સેફટી વોલ ધરશાયી થઈ ગઈ હતી.
ચોમાસુ ટૂંક સમયમાં દિલ્હી સહિત ઉત્તર ભારતના વિવિધ રાજ્યોમાં પ્રવેશ કરશે. હવામાન વિભાગે શુક્રવારે રાજધાની દિલ્હીમાં વાવાઝોડા અને વરસાદ માટે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં પવનની ગતિ આજે 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચી શકે છે. ચોમાસાને ધ્યાનમાં રાખીને, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ અધિકારીઓને યુદ્ધના ધોરણે ચોમાસા માટે તૈયારી કરવા સૂચના આપી છે. આ સાથે એમસીડીને પણ કડક સૂચનાઓ આપવામાં આવી છે.