વલસાડ: આજે હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. વલસાડ જિલ્લામાં પણ આજે ધોધમાર વરસાદ પડ્યો છે. વલસાડના કપરાડા તાલુકામાં સાંબેલાધાર વરસાદ વરસ્યો છે. કપરાડા તાલુકામાં 7 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. તમામ નદીનાળાઓમાં પૂર જેવી પરિસ્થિતિ થઈ છે.

નદી નાળા પરના લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થયા છે. બંને તરફના ગામોનો સંપર્ક કપાયો છે. કરચોંડ ગામ નજીકથી વહેતી ખાડીમા પૂરની પરિસ્થિતિ છે. રાંધા અને કાઉચા ગામ વચ્ચે પૂલ પર પાણી ફરી વળ્યું છે. પૂલ પરથી ખાડીનો પાણીનો પ્રવાહ વહી રહ્યો છે. અનેક લોકો જીવને જોખમમાં મૂકી પાણીમાંથી પસાર થવાનો પ્રયાસ કરી રહ્યા છે. દર વર્ષે ભારે વરસાદના કારણે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે.

ઉમરગામ તાલુકામાં પણ ભારે વરસાદ

વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ઉમરગામ તાલુકામાં પણ ભારે વરસાદ નોંધાયો છે. ભીલાડના કેટલાક વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાયા છે. ભીલાડ રેલવે ગરનાળુ પાણીમાં ગરકાવ થયું છે. રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન થયા છે. જિલ્લામાં હજુ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

નવસારી જિલ્લામાં ભારે વરસાદ 

સૌરાષ્ટ્ર બાદ હવે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. નવસારી જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે. અવિરત વરસી રહેલો વરસાદ હવે આફત સર્જી રહ્યો છે. શહેરના વિજલપોર વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. વિજલપોરના વિઠ્ઠલ મંદિર વિસ્તારમાં મુખ્ય બજારમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. 

રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 68.91 ટકા વરસાદ

રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 68.91 ટકા વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ 72 ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં જ્યારે ઉત્તર ગુજરાતમાં 71 ટકા, કચ્છમાં 70 ટકા, પૂર્વ મધ્યમાં 69 ટકા વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં 63 ટકાથી વધુ સરેરાશ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. સરદાર સરોવર સહિત રાજ્યના કુલ 207 ડેમમાંથી 76 ડેમ હાઈએલર્ટ એટલે કે 70 થી 100 ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે 26 ડેમ એલર્ટ પર તેમજ 22 ડેમ વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 76 ટકાથી વધુ જળસંગ્રહ છે. 

રાજ્યમાં અત્યંત ભારે વરસાદની આગાહી

એક સાથે 5 સિસ્ટમ સક્રિય થતા હજુ પણ રાજ્યમાં અત્યંત ભારે વરસાદ વરસી શકે છે તેમ હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે માધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. ડૉ. એ. કે. દાસ, ડાયરેક્ટર, હવામાન વિભાગ દ્વારા આ આગાહી કરવામાં આવી છે.