NAVSARI :  કોરોનાને કારણે પડી ભાંગેલી આર્થિક પરિસ્થિતિને પાટે ચડાવવા રાજ્ય સરકારે દ્વારા નિયમો બનાવી ઉદ્યોગ-ધંધાને ફરી શરૂ કરવામાં આવ્યા છે અને ધીરે ધીરે ટ્રેન વહેવાર પણ શરૂ કરવામાં આવ્યો છે. પરંતુ રોજિંદા કામ માટે અપડાઉન કરતા લોકો માટે ટ્રેન શરૂ ન થતા પાસ હોલ્ડર વર્ગને ભારે હાલાકી કરવાનો સામનો કરવાનો વારો આવ્યો છે.


70 હજાર લોકો અપડાઉન કરે છે 
નવસારી જિલ્લામાંથી સુરત નોકરી ધંધા માટે 70 હજારથી વધુ લોકો અપડાઉન કરે જેમાં મોટો વર્ગ ટ્રેનનો ઉપયોગ રોજિંદા અપડાઉન માટે કરે છે. પરંતુ કોરોના મહામારીના કારણે રેલવે મંત્રાલય દ્વારા ટ્રેનો બંધ કરી દેવામાં આવી હતી અને હવે ધીરે-ધીરે ટ્રેનો શરૂ કરવામાં આવી છે પરંતુ અપડાઉન કરતાં લોકો માટે ટ્રેનોની સુવિધા અપૂરતી હોવાના કારણે અપડાઉન કરતા વર્ગને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.


વલસાડ અને સુરતની વચ્ચે રાબેતા મુજબ ટ્રેનો શરૂ ન થતાં નવસારીમાં  હજી પણ ઘણા મુસાફરો અને રોજિંદા અપડાઉન કરનારા વર્ગો ખાનગી વાહનો અથવા બસ સેવાનો ઉપયોગ કરી વધુ પૈસા આપીને નોકરી કરવા જવા મજબૂર બન્યા છે. 


ધારાસભ્ય, સાંસદે અનેક વાર રજૂઆતો કરી 
ભારતીય રેલવે અર્થતંત્રની નસોમાં લોહી બની દોડે છે. પરંતુ રેલવે વિભાગ દ્વારા અમુક ટ્રેનો હજી સુધી શરૂ ન કરાતા રોજિંદા મુસાફરો તકલીફમાં મુકાયા છે. ટ્રેનોને રાબેતા મુજબ શરૂ કરવા માટે નવસારી રેલવે સલાહકાર સમિતિ,  નવસારીના ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલ દ્વારા રેલવે મંત્રાલયમાં અનેક પત્રવ્યવહાર દ્વારા જાણ કરવામાં આવી હતી. તેમ છતાં આજ દિવસ સુધી એ અંગે પણ કોઈ નક્કર કામગીરી નથી કરવામાં આવી જેથી કરીને મુસાફરો અટવાઈ રહ્યાં  છે. 


અપડાઉન માટે માત્ર એક ટ્રેન ચાલું 
હાલ નવસારી જિલ્લાની જો વાત કરવામાં આવે તો અપડાઉન કરવા માટે માત્ર એક ટ્રેન કાર્યરત છે જેમાં અંદાજિત 70 હજારથી વધુ લોકો રોજ સુરત અને અંકલેશ્વર જેવા શહેરોમાં રોજગારી અર્થે જાય છે, ત્યારે કોરોના હળવો થતાં હવે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે ટ્રેનોને ફરી એકવાર રાબેતા મુજબ શરૂ કરવાની જરૂર દેખાઈ રહી છે.