ભાવનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી તરફ સૌરાષ્ટ્ર માટે આજે સારા સમાચાર આવ્યા છે. આજે સૌરાષ્ટ્રમાં દ્વારકા જિલ્લો કોરાનામુક્ત બન્યો છે. આ ઉપરાંત આજે ભાવનગર જિલ્લામાં પણ ત્રણ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ રાહત એ વાતની પણ છે કે, છેલ્લા ચાર દિવસથી ભાવનગરમાં કોરોનાનો નવો એક પણ કેસ નોંધાયો નથી.


ભાવનગર જિલ્લામાં કેસોની વાત કરીએ તો કુલ 112 કેસ નોંધાયા છે. જેમાંથી કુલ 90 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે, જ્યારે 8 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે. હવે 14 લોકો સારવાર હેઠળ છે. જો નવા કેસો ન નોંધાય તો ભાવનગર જિલ્લો ઝડપથી કોરોનામુક્ત બની શકે છે.

નોંધનીય છે કે, અમદાવાદમાં અત્યાર સુધીમાં કોરોનાના 9724 કેસો નોંધાયા છે, જેમાંથી 3658 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે 645 લોકોનું કોરોનાને કારણે મોત થયું છે. હાલ, અમદાવાદમાં 5421 દર્દીઓ સારવાર હેઠળ છે. ગુજરાતમાં કોરોનાના કુલ કેસ 13,273 નોંધાયા છે. જેમાંથી 5880 લોકોએ કોરોનાને મ્હાત આપી છે, જ્યારે રાજ્યમાં કુલ 802 લોકોના કોરોનાથી મોત થયા છે. તેમજ હાલ, 6591 લોકો સારવાર હેઠળ છે.