ભાવનગરઃ ગુજરાતમાં કોરોનાના દર્દીઓ સ્વસ્થ થવાનું પ્રમાણ વધતાં હવે એક્ટિવ કેસો ઝડપથી ઘટી રહ્યા છે. અનેક જિલ્લામાંથી લોકો કોરોનાને મ્હાત આપી રહ્યા છે, ત્યારે આજે ભાવનગર જિલ્લામાં વધુ ત્રણ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આજે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ચાર લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આમ, સૌરાષ્ટ્રમાં આજે સાત લોકો કોરોનામુક્ત થયા છે.


ભાવનગરમાં આજે ત્રણ દર્દી કોરોનામુક્ત થતાં હવે માત્ર 10 દર્દીઓ જ સારવાર હેઠળ છે. ભાવનગરમાં કોરોનાના કુલ 119 કેસ નોંધાયા છે. જેમાંથી 101 લોકોએ કોરોનાને મ્હાત આપી છે, જ્યારે 8 લોકોના મોત થયા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ચાર લોકોએ કોરોનાને મ્હાત આપી છે. 9 દિવસ હોસ્પિટલમાં રાખ્યા બાદ સરકારની ગાઈડ લાઈન મુજબ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ દર્દીઓમાં સુરેન્દ્રનગર શહેરના એક અને સાયલા તાલુકાના ત્રણ દર્દીને રજા આપવામાં આવી છે. નોંધનીય છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 33 કેસ નોંધાયા છે, જેમાંથી કુલ 14 લોકો સ્વસ્થ થઈ ગયા છે. જ્યારે અત્યાર સુધીમાં એક વ્યક્તિનું મોત થયું છે.



મહેસાણા જિલ્લામાં આજે બે નવજાત જોડિયા બાળકોએ કોરોનાને મ્હાત આપી છે. નવજાત બાળકોએ કોરોનાને મ્હાત આપતાં ખુશીની લાગણી ફરી વળી છે. વડનગરના મોલિપુર ગામની કોરોનાગ્રસ્ત મહિલા દ્વારા જોડિયા બાળકોને જન્મ આપવામાં આવ્યો હતો. આ બંને બાળકોને પણ માતાની સાથે કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. પહેલા પુત્ર અને ત્યારબાદ બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બંનેનો રિપોર્ટ પોઝિટિવ આવતાં બંનેની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી હતી. આ બંને કોરોનાગ્રસ્ત જોડિયા નવજાત બાળકોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. બંને નવજાત બાળકને આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.

આજે પાટણ જિલ્લામાં વધુ ચાર દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. પાટણમાં 4 મહિલાઓનો રિપોર્ટ નેગેટિવ આવતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જનતા હોસ્પિટલમાથી આજે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સમી અને શંખેશ્વરની મહિલાઓને ડિસ્ચાર્જ કરવામાં આવી છે. નોંધનીય છે કે, પાટણ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 75 કેસ નોંધાયા છે. જેમાંથી 61 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે કુલ 6 લોકોના મોત થયા છે. હાલ, માત્ર 8 લોકો સારવાર હેઠળ છે.