નર્મદા: ડેડીયાપાડા ખાતે મારી માટી મારો દેશ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા અને આપના ધારસભ્ય ચૈતર વસાવા એક મંચ પર જોવા મળ્યા હતા. આ દરમિયાન ચૈતર વસાવાએ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ચૈતર વસાવા જયારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વિશે બોલતા હતા ત્યારે સાંસદ મનસુખ વસાવાએ તેમને ટોકયા હતા. મનસુખ વસાવાએ વચ્ચે ટોકતા કહ્યું કે, આજના વિષય પર વાત કરો વિષયથી ભટકશો નહિ.


ચૈતર વસાવાએ કહ્યું કે, સમગ્ર દેશમાં નર્મદા જિલ્લો અતિ પછાત જીલ્લો છે. નર્મદા જિલ્લામાં 12,333 જેટલા બાળકો કુપોષિત છે. સાગબારામાં 54 શાળામાં એક જ શિક્ષક છે જ્યારે ડેડીયાપાડામાં 27 શાળામાં એક જ શિક્ષક છે. વ્યારા,દાહોદ અને લુણાવાડાની સિવિલ હોસ્પિટલો ખાનગી કંપનીઓને આપી દેવાની મુહિમ ચાલી રહી છે. ચૈતર વસાવાએ કહ્યું કે, મોદી સરકારે અદાણી,અંબાણી અને લલિત મોદીના 25 લાખ કરોડનું દેવું માફ કર્યું ત્યારે સાંસદ મનસુખ વસાવાએ વચ્ચે ટોકયા અને કહ્યું કે આજના વિષય પર વાત કરો. જો કે, આ તમામ બાબતનો જવાબ સાંસદે પોતાના ભાષણમાં આપ્યો હતો. 


આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ છોટાઉદેપુરમાં ભાજપ સાથે જોડાયેલા બુટલેગરો દારૂનું ખુલ્લેઆમ વેચાણ કરતા હોવાનુ જણાવ્યુ હતું. તેમણે વધુમાં કહ્યું કે,  સરકાર દારૂબંધી કરાવી ન શકતી હોય તો દારૂની પરમિશન આપી દેવી જોઇએ. રાજ્યમાં દારૂબંધીના ધજાગરા ઉડાવતા અનેક કિસ્સાઓ છાશવારે સામે આવતા હોય છે અને દારૂબંધીની અમલવારી મામલે વિપક્ષ દ્વારા ભૂતકાળમાં પણ સરકારની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા. આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ મનસુખ વસાવા પર ગંભીર આક્ષેપ કરી જણાવ્યું કે તેઓની આસપાસ ફરનારા બુટલેગરો છે.  


ચૈતર વસાવાના આક્ષેપ, રાજ્યમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે


ચૈતર વસાવાએ આક્ષેપો કર્યા કે, રાજ્યમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે. જે દારૂ વેચાય છે તે છેલ્લી કક્ષાનો દારૂ  છે. આ સાથે કહ્યું કે બુટેલગરોને નેતાનું સમર્થન છે.  છોટાઉદેપુર જિલ્લામાં યુવા અધિકાર યાત્રા દરમિયાન આ સવાલો તેમણે ઉઠાવ્યા હતા. ચૈતર વસાવા એ કહ્યું કે સરકાર અને પોલીસ જ દારૂની વ્યવસ્થા કરી આપે છે. જો સરકાર દારૂબંધીનો કડક અમલ ન કરાવી શકતી હોય તો સરકારે દારૂબંધી હટાવી દેવી જોઈએ. છૂટ આપી જોઈએ જેથી સારી ક્વોલિટીનો દારૂ મળે.  


ધારાસભ્ય ચૈતર વસાવાનું દારૂબંધીને લઈ  સ્ફોટક નિવેદન