નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે આવેલા જાનકી આશ્રમમાં યોજાયેલી એક મહત્ત્વની બેઠકમાં ભરૂચ લોકસભા બેઠકના વરિષ્ઠ સાંસદ મનસુખ વસાવા પોતાની જ પાર્ટીના કેટલાક કાર્યકરો અને હોદ્દેદારો પર લગાવાયેલા આરોપોથી ગુજરાતની રાજનીતિમાં હડકંપ મચી ગયો હતો.
ભરૂચ લોકસભા બેઠકના ભાજપના વરિષ્ઠ સાંસદ મનસુખ વસાવાના નિવેદનોએ ગુજરાતના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. બેઠક દરમિયાન મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે વિરોધ પક્ષ કરતા ભાજપના જ કેટલાક લોકો પક્ષ અને જનપ્રતિનિધિઓને વધુ નુકસાન પહોંચાડી રહ્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપના કેટલાક સ્થાનિક આગેવાનો દારૂ અને જુગારના અડ્ડા ચલાવતા અસામાજિક તત્વોને સીધી કે આડકતરી રીતે મદદ કરી રહ્યા છે. આવા લોકોને સમાજના દુશ્મન ગણાવતા તેમણે કહ્યું કે, "તમે પોતાને સમાજસેવક કહો છો, પરંતુ હકીકતમાં સમાજને નુકસાન પહોંચાડી રહ્યા છો."
સાંસદે વધુમાં ચેતવણી આપતાં કહ્યું કે યોગ્ય સમય આવશે ત્યારે આવા તમામ લોકોના નામ જાહેર કરવામાં આવશે. તેમણે સ્પષ્ટ કર્યું કે કોઈ પણ વ્યક્તિ ભલે ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલી હોય જો તે ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સામેલ હશે તો તેને જાહેરસભામાં ખુલ્લો પાડવામાં આવશે. મનસુખ વસાવાના આ નિવેદનો બાદ ભાજપના સ્થાનિક સંગઠનમાં ચર્ચાઓ તેજ બની છે. પોતાની જ પાર્ટીના કેટલાક નેતાઓ પર લગાવવામાં આવેલા આક્ષેપો રાજકીય રીતે મહત્વના માનવામાં આવી રહ્યા છે. મનસુખ વસાવાએ અત્યંત આક્રમક વલણ અપનાવી પોતાની જ પાર્ટીના કેટલાક લોકો તરફથી પૂરતો સહકાર ન મળતો હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા.
ભાજપના લોકો જ ભાજપને નડતા હોવાની કબૂલાત
તેમણે જણાવ્યું હતું કે, ચૂંટણી કે અન્ય કામોમાં વિરોધી પાર્ટી કરતા આપણા જ ભાજપના લોકો આપણને વધુ નડે છે. આવા તત્ત્વો સામે આકરા શબ્દોમાં ચેતવણી આપતા સાંસદે સ્પષ્ટ કર્યું હતું કે, તેઓ પક્ષ કે પોતાના પદની સહેજ પણ પરવા કર્યા વિના યોગ્ય સમય આવશે ત્યારે આવા તમામ લોકોને જનતાની સામે લાવીને ખુલ્લા પાડશે. ભાજપના કેટલાક સ્થાનિક આગેવાનો બનીને ફરતા લોકો જ દારૂ અને જુગારના અડ્ડા ચલાવનારાઓને છાવરે છે અને તેમને મદદરૂપ થાય છે. વાસ્તવમાં તમે સમાજના દુશ્મન છો અને સમાજને મોટું નુકસાન પહોંચાડી રહ્યા છો."
