Gujarat Road Accidents Today: રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતોની સંખ્યામાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. રાજકોટ, પંચમહાલ, બનાસકાંઠા, સુરત ગ્રામ્ય, દ્વારકા, ભરૂચ અને ભાવનગર સહિતના વિવિધ જિલ્લાઓમાં જુદા જુદા અકસ્માતોમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ અકસ્માતોએ અનેક પરિવારોમાં શોકનું મોજું ફેલાવી દીધું છે, ત્યારે બેફામ રીતે દોડતા વાહનોના કારણે લોકોમાં તંત્ર સામે રોષ પણ જોવા મળી રહ્યો છે.
સૌ પ્રથમ વાત કરીએ રાજકોટ શહેરની, જ્યાં ગોંડલ રોડ પર માલધારી ફાટક પાસે ટ્રેક્ટર અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો. ટ્રેક્ટર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રેક્ટર બાઇક સાથે અથડાયું હતું, જેના કારણે અકસ્માત સર્જાયો હતો અને ટ્રેક્ટર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના નવા કુવા ગામ પાસે ઇનોવા કાર અને એસટી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેને સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યો હતો.
બનાસકાંઠા જિલ્લામાં પણ બેફામ દોડતા ડમ્પરનો કહેર જોવા મળ્યો હતો. પાંથાવાડા-ગુંદરી હાઈવે પર ડમ્પર ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક ચાલક રણછોડભાઈ ઠાકોરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. તેઓ પોતાની બાળકીને દવાખાનેથી સારવાર કરાવીને પરત ફરી રહ્યા હતા, ત્યારે આ દુર્ઘટના બની હતી. જો કે, બાળકીનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનાને પગલે વિસ્તારમાં બેફામ ડમ્પર ચાલકો સામે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
સુરત ગ્રામ્ય વિસ્તારના પલસાણાના કડોદરા ચાર રસ્તા નજીક ગત રાત્રે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. બારડોલીનો એક જૈન પરિવાર મુંબઈ જવા માટે બસની રાહ જોઈ રહ્યો હતો, ત્યારે એક કાળમુખા ટ્રેલરે તેમને અડફેટે લીધા હતા. આ દુર્ઘટનામાં માતા અને તેમના ચાર વર્ષના પુત્રનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. પોલીસે ટ્રેલર ચાલકની ધરપકડ કરી છે અને તપાસ હાથ ધરી છે.
દ્વારકા નજીક શિવરાજપુર પાસે એક કાર પલટી ખાઈ જતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર ત્રણ લોકોને ઈજાઓ પહોંચી હતી, જો કે કોઈ ગંભીર ઈજાના સમાચાર નથી.
ભરૂચથી સુરત જતા અંકલેશ્વર પાસે નેશનલ હાઈવે ૪૮ પર એક ટ્રક આગળ ચાલતા આઇશર ટેમ્પામાં ધડાકાભેર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટ્રક ચાલક ફસાયો હતો, જેને ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમે ભારે જહેમત બાદ બહાર કાઢ્યો હતો.
ભાવનગર જિલ્લાના પાલીતાણાના તળાજા હાઈવે રોડ પર ગમખ્વાર અકસ્માતની ત્રણ ઘટનાઓ સામે આવી છે. પ્રથમ ઘટનામાં આર.એમ.સી. ટ્રકની પાછળ બાઈક ઘુસી જતા કમલેશ વાઘેલા નામના યુવાનનું મોત થયું હતું અને અન્ય એક યુવાન ઘાયલ થયો હતો. ત્યારબાદ આ જ સ્થળે ગઈકાલે રાત્રે વધુ એક અકસ્માત થયો હતો, જેમાં આર.એમ.સી. ટ્રકની પાછળ ટુ-વ્હીલર ઘુસી જતા કમલેશ વાઘેલાના પિતરાઈ ભાઈ દીપક વાઘેલાનું પણ સારવાર દરમિયાન ભાવનગર સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. આ દુર્ઘટનામાં આજે વધુ એક યુવાન રાહુલ વાઘેલાનું મોત થતા આ ગોઝારા અકસ્માતમાં કુલ ત્રણ યુવાનોએ જીવ ગુમાવ્યા છે. મૃતક ત્રણેય યુવાનો રત્ન કલાકાર હોવાનું જાણવા મળ્યું છે. પરિવારે હાઈવે પર પાર્કિંગ લાઈટ અને રેડિયમ વગર ટ્રક મુકવામાં આવી હોવાનો આરોપ લગાવ્યો છે.
આમ, રાજ્યભરમાં સર્જાયેલા આ વિવિધ અકસ્માતોમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, ત્યારે તંત્ર દ્વારા માર્ગ સલામતીના નિયમોનું કડક પાલન કરાવવાની અને બેફામ વાહન ચલાવતા લોકો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.