Narmada Parikrama news: નર્મદા જિલ્લામાં ચૈત્ર માસમાં યોજાતી પવિત્ર નર્મદા પરિક્રમા તેના મધ્યાંતર ભાગમાં પહોંચી ગઈ છે. છેલ્લા 15 દિવસથી ચાલી રહેલી આ પરિક્રમામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. આગામી 15 દિવસોમાં પણ ભક્તોનો પ્રવાહ યથાવત રહેવાની સંભાવના છે. જિલ્લા કલેકટર એસ. કે. મોદીએ પરિક્રમા કરવા આવતા ભક્તોને સપ્તાહના ચાલુ દિવસોમાં પરિક્રમા કરવા અપીલ કરી છે, જેથી તેઓને વધુ સારી સુવિધાઓ મળી શકે.

કલેકટર એસ. કે. મોદીએ જણાવ્યું હતું કે નર્મદા પરિક્રમા રૂટના દરેક ઘાટ પર શ્રદ્ધાળુઓ માટે તમામ જરૂરી વ્યવસ્થા અને સુવિધાઓ ઉપલબ્ધ છે. જેમાં લાઈટ, પાણી, બેસવાની નાવડીની સુવિધા, સ્નાન માટેની વ્યવસ્થા, ટોયલેટ, રસ્તાની સાફ સફાઈ, પાર્કિંગ અને સેવા કેન્દ્રોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, કોઈપણ પ્રકારની કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે SDRFની ટીમો પણ કાર્યરત છે. પોલીસ દ્વારા પરિક્રમાવાસીઓની સલામતી અને આરોગ્યની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

પરિક્રમા કરવા માટે ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. કલેકટર મોદીએ શ્રદ્ધાળુઓને વિનંતી કરી છે કે શનિવાર અને રવિવાર તેમજ જાહેર રજાઓના દિવસોમાં ભક્તોનો ભારે ધસારો જોવા મળે છે. આથી, જો તેઓ જાહેર રજાના બદલે સપ્તાહના ચાલુ દિવસોમાં પરિક્રમા કરે તો વહીવટી તંત્ર તેમને વધુ સારી રીતે સેવા અને સુવિધા પૂરી પાડી શકશે, જેનાથી તેમની પરિક્રમા સુખદ અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન થશે.

તેમણે વધુમાં જણાવ્યું કે રાત્રીના સમયે અથવા વહેલી સવારે યાત્રા કરવાથી ગરમી અને તડકાની સમસ્યા પણ નહીં રહે. કલેકટર મોદીએ નર્મદામૈયાની કૃપા સૌના પર બની રહે અને સૌને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય તેવી કામના પણ વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે વહીવટી તંત્રનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે તમામ ભક્તો અને શ્રદ્ધાળુઓ સુખરૂપ રીતે અને સારી રીતે પોતાની યાત્રા પૂર્ણ કરે. પરિક્રમા કરી રહેલા ભક્તો પણ વહીવટી તંત્ર દ્વારા પૂરી પાડવામાં આવતી સુવિધાઓની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. વહીવટી તંત્રના તમામ કર્મચારીઓ પરિક્રમાવાસીઓની સેવામાં સતત ખડે પગે તત્પર છે અને સૌને શાંતિપૂર્ણ રીતે પરિક્રમા પૂર્ણ કરવા માટે સહકાર આપવા અનુરોધ છે.