Navratri: ખેલૈયાઓની મજા બગડશે, સાતમા નોરતાથી ગાજવીજ સાથે વરસાદ તૂટી પડવાની આગાહી
Navratri: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધુ રહેશે. આજે, દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, દમણ અને દાદરા નગર હવેલી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે

Navratri: ગુજરાતમાં અત્યારે નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે, ખેલૈયાઓ મન મુકીને ગરબા રમી રહ્યાં છે. આજે નવરાત્રીનું પાંચમું નોરતુ છે, પરંતુ હવે આગળના નોરતાને લઇને મોટુ અપડેટ સામે આવ્યુ છે. હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ રાજ્યમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતથી લઇને સૌરાષ્ટ્ર સુધીના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની અનુમાન છે.
નવરાત્રીમાં ખેલૈયાઓની મજા બગડી શકે તેવા સમાચાર સામે આવ્યા છે, આગામી ચાર દિવસ રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા મેઘરાજા ફરી એકવાર ખેલૈયાઓના રંગમાં ભંગ પાડશે, આગામી દિવસોમાં રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, આ ઉપરાંત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગમાં હળવા વરસાદનું અનુમાન છે. આગામી 28 સપ્ટેમ્બરે અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. મહત્વનું છે કે, ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો 111 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધુ રહેશે. આજે, દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, દમણ અને દાદરા નગર હવેલી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. આ આગાહીથી ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ઘણાં સ્થળોએ ખુલ્લા પ્લોટમાં ગરબાનું આયોજન કરવામાં આવે છે, જ્યાં વરસાદના કારણે પાણી ભરાઈ શકે છે. જોકે, મોટા ગરબા આયોજકોએ વૈકલ્પિક વ્યવસ્થા કરી છે, જેમાં ગરબા હોલ અથવા તો ઉપરથી કવર કરી શકાય તેવા પ્લોટનો ઉપયોગ કરવામાં આવશે. વરસાદની સાથે કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ અને 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી છે. પવનોની દિશા બદલાતી રહેતા રાજ્યમાં વરસાદનું વાતાવરણ રહેશે.
27 સપ્ટેમ્બરથી 5મી ઓક્ટબર વચ્ચે અરબી સમુદ્ર પણ સક્રિય થવાની શક્યતા રહેશે જેના કારણે 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને રાજ્યના અન્ય ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા રહેશે. કેટલાક ભાગોમાં વધુ વરસાદ વરસી શકે અને 7 ઓક્ટોબર રાજ્યના ઘણા ભાગોમાં અરબી સમુદ્રની સિસ્ટમના કારણે વરસાદની થવાની શક્યતા રહેશે. જોકે, આ વિદાય વચ્ચે પણ કેટલીક સિસ્ટમ સક્રિય થવાથી વરસાદની શક્યતા રહેલી છે.
28 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર વચ્ચે ઘણા ભાગોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ થવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં 4 ઇંચ જેટલો, જ્યારે કેટલાક વિસ્તારોમાં 6 થી 8 ઇંચ સુધીનો વરસાદ પણ પડી શકે છે. આ ભારે વરસાદને કારણે નાની નદીઓમાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે, જ્યારે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ભરૂચ, વડોદરા, પંચમહાલ, મહિસાગર, ઉત્તર ગુજરાત, સાબરકાંઠા, અરવલ્લી અને કચ્છના કેટલાક ભાગોમાં પણ વરસાદનું જોર રહી શકે છે.





















