Navsari flood crisis: દક્ષિણ ગુજરાતના નવસારી શહેરમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. અત્યાર સુધીમાં ખાબકેલા 27 ઈંચ જેટલા મુશળધાર વરસાદને કારણે સમગ્ર નવસારી શહેર પર પૂરનું મોટું સંકટ ઘેરાયું છે. સવારથી જ પડી રહેલા ભારે વરસાદથી શહેરના પૂર્વ અને પશ્ચિમ એમ બંને વિસ્તારોમાં પાણી ભરાતા લોકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. શહેરના 30% થી વધુ માર્ગો હાલ પાણીમાં ગરકાવ થઈ ગયા છે, અને ડ્રોનથી લેવાયેલો આકાશી નજારો જોતા આખું શહેર જાણે જળબંબાકાર થઈ ગયું હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
આ આફતમાં સૌથી મોટી ચિંતાનું કારણ પૂર્ણા નદી છે. નદીની જળસપાટીમાં સતત અને અત્યંત ઝડપી વધારો નોંધાઈ રહ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે માત્ર 2 કલાકમાં જ પૂર્ણાની સપાટીમાં 3 ફૂટનો અધધ વધારો થયો છે. નદીની ભયજનક સપાટી 23 ફૂટ છે, અને હાલમાં તે આ લાલ નિશાનથી માત્ર 1 ફૂટ જ દૂર વહી રહી છે. પરિસ્થિતિની ગંભીરતાને પારખીને નાયબ કલેક્ટર અને નવસારી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નર તાત્કાલિક અસરથી નદી કિનારે પહોંચી ગયા છે. પૂર્ણા નદીના પાણી હવે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસવાની શરૂઆત થઈ ચૂકી છે, જેના કારણે સ્થાનિક પ્રશાસન દોડતું થઈ ગયું છે.
નદીઓ સાથે શહેરના તળાવો પણ ઓવરફ્લો થયા છે. વિજલપુરમાં આવેલું ચંદન તળાવ છલકાઈ જતાં આસપાસના 100 થી વધુ પરિવારો સીધા પ્રભાવિત થયા છે. તળાવના પાણી હવે ચંદનવન સોસાયટી અને ભક્તિનગર સહિતના રહેણાંક વિસ્તારોમાં ફરી વળ્યા છે. બીજી તરફ, ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન ખરાબ રીતે ખોરવાયું છે. શહેરના સર્કિટ હાઉસ પાસે એક મહાકાય તોતિંગ વૃક્ષ ધરાશાયી થતાં મુખ્ય માર્ગ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. જોકે, જાણ થતાં જ ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને વૃક્ષ કાપીને રસ્તો ખુલ્લો કરવાની કામગીરી શરૂ કરી દીધી હતી.
આ પણ વાંચોઃ ગુજરાતમાં આગામી 3 કલાક અતિભારે: 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમારની આગાહી
આ કપરી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નવસારી મહાનગરપાલિકા કમિશ્નરે શહેરીજનોને ખાસ અપીલ કરી છે કે ખૂબ જ જરૂરી કામ સિવાય કોઈએ ઘરની બહાર ન નીકળવું અને સુરક્ષિત સ્થળે રહેવું. નાગરિકોની સીધી મદદ માટે વહીવટીતંત્ર દ્વારા 24 કલાક કાર્યરત કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે.
ઇમરજન્સી માટે હેલ્પલાઇન નંબર્સ:
આપત્તિ નિવારણ કંટ્રોલ રૂમ: 02637-233002
ફાયર કંટ્રોલ રૂમ: 02637-259001
આ પણ વાંચોઃ ગુજરાત રેઈન એલર્ટ: આગામી બે દિવસ આ 5 જિલ્લાઓમાં તૂટી પડશે અત્યંત ભારે વરસાદ
