Navsari News: હાલમાં નકલી નોટ છાપી ઝડપી રીતે પૈસાદાર થવાનો કિમીયો અજમાવવા જતા યુવાનો મોટાભાગે પોલીસના હાથે ઝડપાય છે. નવસારીમાં ભૂતકાળમાં પણ કેટલાક કેસ નોંધાયા છે ત્યારે ફરી વાર ચીખલી વિસ્તારમાંથી કલર પ્રિન્ટર પર સ્કેન કરી નકલી ચલણી નોટ વટાવે તે પહેલા જ નવસારીના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને એક આરોપીને ઝડપી પાડયો છે.


ચીખલી તાલુકાના તળાવચોરા ગામે મોટા ફળિયામાં રહેતા અને નકલી નોટ છાપતા એકની SOGએ ધરપકડ કરી હતી. ઘરમાં સ્કેનર પર અસલી નોટ સ્કેન કરી બજારમાં વટાવાનો પ્લાન હતો, જોકે તેનો મનસુબો પાર પડે તે પહેલાં જ એસઓજી ટીમે દબોચી લીધો હતો. ભૂતકાળમાં કાપડના ધંધા સાથે સંકળાયેલા તેજસ ચૌહાણ ને ઝડપી રીતે પૈસાદાર બનવું હતું, જેના કારણે તેણે આ કિમીયો અજમાવ્યો હતો.

તેની પાસેથી 200 ના દરની 62 અને 100 ના દરની 6 નકલી ચલણી નોટ મળી હતી. જે બાદ કેસની તપાસ ચીખલી પોલીસને સોંપાઈ છે. ડુપ્લીકેટ નોટ બનાવવામાં અન્ય કોઈ તેનો સાથી હતો કે કેમ તેની તપાસ થશે.


તાજેતરમાં અમદાવાદના બોપલ નકલી નોટના નેટવર્કમાં અમદાવાદ ગ્રામ્ય SOG એ બે આરોપીઓની ધરપકડ કરી હતી. આ બંને આરોપીઓ મિલાપ મિસ્ત્રી અને ત્રુસાંગ શાહ છે અને તેમની આ મામલામાં શંકાસ્પદ ભૂમિકા સામે આવવાને લઈ પોલીસે પૂછપરછ હાથ ધરી હતી. જેને લઈ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કરવામાં આવેલા બંને આરોપીઓ મુખ્ય સૂત્રધાર અલ્પીત ગજ્જરના મિત્રો છે. 12 ડિસેમ્બરના દિવસે અલ્પીત ગજ્જરએ બોપલની HDFC બેન્કના કેશ ડિપોઝીટ મશીનમાં રૂ 500 ના દરની 19 જેટલી નકલી નોટ જમા કરી હતી. પરંતુ બેંકના CCTV માં અલ્પીત કેદ થતા પોલીસે ગુનો નોંધીને ધરપકડ કરી હતી.  અલ્પીતની પૂછપરછમાં આ નકલી નોટ તેના મિત્ર મિલાપ પાસેથી મળી હોવાનું ખુલ્યું હતુ. પોલીસે મિલાપની ધરપકડ કરીને પૂછપરછ કરતા ત્રુસાંગ શાહનું નામ સામે આવતા ગ્રામ્ય SOGએ બંને આરોપીની ધરપકડ કરીને તપાસ શરૂ કરી. બંને યુવકોની શરુઆતમાં પૂછપરછ કરવામાં આવતા જ તેમના જવાબોને લઈ પોલીસને આશંકા વધવા લાગી હતી. નકલી નોટના નેટવર્કની તપાસમાં થાઈલેન્ડ કનેક્શન સામે આવી રહ્યું છે. કારણ કે અલ્પીત ગજ્જર સાત વખત થાઈલેન્ડ ગયો હોવાનું પાસપોર્ટ પરથી સામે આવ્યું છે. પકડેલા આરોપી મિલાપ અને ત્રુસાંગ પણ થાઈલેન્ડ ગયા હોવાની પોલીસે શકયતા વ્યક્ત કરી છે. આ બંન્ને આરોપી કાર વોશિંગ અને કાર સર્વિસ કરતા હોવાનું સામે આવ્યું છે.  ગેરેજની આડમાં નકલી નોટ બેંકમાં ઘુસાડવાનું ષડયંત્ર ચાલતું હોવાની આશંકાને લઈને પણ પોલીસે તપાસ શરૂ કરી છે.