Panchmahal News: પંચમહાલ જિલ્લામાં નીટની પરીક્ષામાં ગેરરીતિના રેકેટનો પર્દાફાશ. ગોધરામાં નીટની પરીક્ષામાં વિદ્યાર્થીઓને ચોરી કરાવવાના રેકેટનો ખુલાસો થયો છે. જિલ્લા કલેકટરને મળેલી બાતમીના આધારે નીટની પરીક્ષા કેન્દ્ર ઉપર જિલ્લા અધિક કલેક્ટર અને જિલ્લા શિક્ષણ અધિકારીની તપાસ ટીમો દ્વારા તપાસ કરાતા પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રીટેન્ડેન્ટની ગાડીમાંથી સાત લાખ રૂપિયા રોકડ મળી આવ્યા છે. સાથે જ પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રીટેન્ડેન્ટનાં મોબાઈલમાંથી વોટ્સએપ ચેટમાં કુલ છ વિદ્યાર્થીઓને ચોરી કરાવી એક વિદ્યાર્થી દીઠ દસ લાખ રૂપિયા લેવાનું નક્કી થયા હોવાનું પણ સામે આવ્યું છે.
સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારીએ ગોધરા તાલુકા પોલીસ મથકે ત્રણ ઈસમો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જય જલારામ સ્કૂલ ગોધરાનાં શિક્ષક તુષાર ભટ્ટ, વડોદરાનાં રોય ઓવરસીઝ નામની કંપનીના માલિક પરશુરામ રોય અને ગોધરાના આરીફ વોરા નામના શખ્સ સામે વિશ્વાસઘાત, છેતરપિંડી અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
નોંધનીય છે કે, મેડિકલ એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ UG (NEET UG) પરીક્ષા 5 મેના રોજ દેશભરમાં લેવાઈ હતી. દેશની 706 મેડિકલ, 323 BDS સહિતની કોલેજોમાં 2.10 લાખથી વધુ બેઠકો પર પ્રવેશ મેળવવા માટે ગુજરાતના 85,000 સહિત દેશભરમાંથી 24 લાખથી વધુ વિદ્યાર્થીઓ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આયોજિત NEET UG પરીક્ષા આપી હતી.
અમદાવાદ શહેરમાં 21 કેન્દ્રો પર પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે. જેમાં અમદાવાદના 9,000 થી વધુ વિદ્યાર્થીઓ સહિત ગુજરાતના 85,000 વિદ્યાર્થીઓ પ્રવેશ પરીક્ષા આપી. આ પ્રવેશ પરીક્ષાનો સમય બપોરે 2 થી 5.20 સુધી યોજાઈ હતી. જે માટે વિદ્યાર્થીઓએ 1.30 સુધીમાં પરીક્ષા કેન્દ્ર પર પહોંચવાનું હતું.
મેડિકલ, ડેન્ટલ, આયુષ, વેટરનરી ક્ષેત્રોમાં પ્રવેશ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે દેશમાં વર્ષમાં એકવાર UG NEETનું આયોજન કરવામાં આવે છે. NEET UG નિષ્ણાત ઉમેશ ગુર્જરે વિદ્યાર્થીઓને સલાહ આપતાં કહ્યું હતું કે વિદ્યાર્થીઓએ પરીક્ષા કેન્દ્ર પર તેમના પ્રવેશ કાર્ડ, ઓળખ કાર્ડ, ફોટોગ્રાફ સાથે રાખવાનું ભૂલવું જોઈએ નહીં. UG NEET પરીક્ષામાં ખોટા જવાબો પર નેગેટિવ માર્કિંગ હોય છે, તેથી પેપર મળતાની સાથે જ પહેલા સરળ, પછી મધ્યમ અને પછી મુશ્કેલ MCQ ઉકેલો. પરીક્ષાની છેલ્લી ક્ષણે એવા વિષયો પર વધુ ધ્યાન ન આપો કે જેના માટે તૈયારી ન હોય અથવા ઓછી કરી હોય. રિપોર્ટિંગના સમયના બે કલાક પહેલા પરીક્ષા કેન્દ્ર પર પહોંચી ગયો. આ ઉપરાંત, પરીક્ષા કેન્દ્રમાં પ્રતિબંધિત હોય તેવી કોઈ પણ વસ્તુ લઈ જશો નહીં કારણ કે તે તમારો સમય બગાડે છે.