પાટણ: જિલ્લાના હદ વિસ્તારના સાંતલપુર તાલુકાના એવાલ ગામ નજીક રણમાં નવીન પ્રવાસન સ્થળ તૈયાર થવા પામ્યું છે. જેમાં પ્રવાસીઓ માટે રહેવા, જમવા સહીતની પાયાની સુવિધાઓ સાથે બાળકોને મોજ મસ્તી માટે રમત ગમતના સાધનોની વ્યવસ્થા કરવામાં આવી છે. આ પ્રવાસન સ્થળ વિસ્તારમાં રણ દર્શન, વિવિધ પ્રકારના પ્રાણીઓ નિહાળવા, સાથે ધાર્મિક સ્થળોના દર્શન, સોલાર પ્લાન્ટ, રણમાં મીઠુ પકવતા અગરીયાઓની મુલાકત વગેરે પ્રવાસીઓ નિહાળી શકશે.
ઉતર ગુજરાતમાં નડાબેટ સીમા દર્શન બાદ હવે પાટણમાં રણ દર્શન માટે નવીન પ્રવાસન સ્થળ તૈયાર થઈ ગયું છે. જિલ્લાની સરહદે કચ્છ - પાટણ અને બનાસકાંઠા બોર્ડર ઉપર ખાડા ટેકરા અને ઝાડ ઝાંખરીથી ગીચ જંગલ જેવા બોર્ડર એરિયામાં રણ દર્શન માટે વધુ એક પ્રવાસન પોઇન્ટ બનાવવામાં આવતા વિસ્તારની કાયાપલટ થઈ જવાં પામી છે. વન વિભાગ દ્વારા બોર્ડર ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત કેન્દ્ર સરકારની ગ્રાન્ટમાંથી 2.79 કરોડના ખર્ચ એવાલ ગામ પાસે 1 હેક્ટરમાં રણ સફારી બનાવવાનું મે 2022 માં શરૂ કરાયું હતું.
જેમાં પ્રવાસીઓ માટે રણદર્શન, વસવાટ કરતા પ્રાણીઓ નિહાળવાનો ટાવર સહીત રાત્રે રોકાણ માટેની અધતન સુવિધાઓથી સજ્જ રણ સફારી બનીને તૈયાર થઈ જતા એજન્સી દ્વારા વન વિભાગને સુપ્રત કરવામાં આવ્યું છે. ટૂંક સમયમાં લોકાપર્ણ કરી પ્રવાસીઓ માટે અગામી સમયમાં ખુલ્લું મૂકવામાં આવનાર હોય ઉત્તર ગુજરાતવાસીઓ સહિત સમગ્ર ગુજરાતને વધુ એક પ્રવાસન સ્થળ જોવાનો લ્હાવો મળશે. રણ સફારી પ્રોજેક્ટનું સંચાલન ઇકો ટુરીઝમ કમિટી કરશે.
આ ટુરીઝમ સ્થળ પર રણ સફારીમાં અનેક સુવિધાઓ ઊભી કરાઇ છે. જેમાં બાળકો માટે રમત ગમતના સાધનો, ખુલ્લો ડાયનીગ હોલ, રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે તો સાથે આ વિસ્તારમાં રણ દર્શનમાં ચિકારા, ઘુડખર જેવા પ્રાણીઓ પણ નિહાળી શકાશે. આસપાસના 10 થી 20 કિલોમીટરના અંતરમાં વરુણી માતાજી મંદિર, ઇશ્વરીયા મહાદેવ મંદિર સંગત માતાના પ્રાચીન મંદિર, સરગુડી બેટ, ચારણકા સોલાર પ્લાન્ટ તેમજ રણમાં અગરિયા લોકો કેવી રીતે મીઠુ પકવે છે તે પણ નિહાળી શકાશે. આ પ્રવાસન સ્થળ પર પહોંચવા માટે પાટણ - રાધનપુર - સાંતલપુર - સાંતલપુરથી ગરામડી ગામથી મઢુત્રા થી જાખોત્રાથી વૌવાથી એવાલ આ પ્રકારનો રૂટ રહેવા પામ્યો છે.
રણ સફારીમાં આ સુવિધાઓ ઊભી કરાઇ
- રિસેપ્શન
- રણદર્શન માટે જીપ્સી ગાડીની વ્યવસ્થા
- વોચ ટાવર
- ઘુડખર , ચિંકારા , રણ લોકડી જેવા પ્રાણીઓ નિહાળવાનો પોઈન્ટ
- ખુલ્લો ડાયનિંગ હોલ ( 50 લોકો ઍક સાથે ખુલ્લામાં બેસીને ભોજન લઇ શકે તેવી વ્યવસ્થા )
- 4 સિંગલ કોટેજ (રૂમ )
- 2 - ડબલ કોટેજ (રૂમ)
- 10 લોકો સાથે રહી શકે તેવો હૉલ રૂમ
- બાળ ક્રીડા ઘર સહિત મનોરંજન માટેના સાધનો