Devayat Khawad car attack: લોકગાયક દેવાયત ખવડ તેમની કાર પર થયેલા હુમલાના કેસમાં ન્યાય મેળવવા માટે આજે ચાંગોદર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. તેમના ડ્રાઈવર દ્વારા અગાઉ કાર પર હુમલો કરનારાઓ વિરુદ્ધ અરજી આપવામાં આવી હતી, જેના સંદર્ભે દેવાયત ખવડે આજે પોલીસ ઇન્સ્પેક્ટર (PI) સાથે મુલાકાત કરી ચર્ચા કરી હતી.
દેવાયત ખવડે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "બે ડાયરાના કાર્યક્રમ હતા. સનાથલના ડાયરામાં પબ્લિક ઓછું હોવાથી હું બીજા ડાયરામાં ગયો હતો. બાદમાં મારા ડ્રાઈવર કાના પર હુમલો કરવામાં આવ્યો. હુમલાખોરોએ કારના કાચ ફોડી નાખ્યા અને કાર જપ્ત કરી લીધી હતી. એટલું જ નહીં, કારમાં રાખેલા રૂ. 5 લાખ પણ લૂંટી લેવામાં આવ્યા હતા. અમે ચંગોદર પોલીસ સ્ટેશનમાં અરજી આપવા આવ્યા હતા, પરંતુ પોલીસે હજુ સુધી FIR નોંધી નથી. તેથી આજે હું પોતે ફરિયાદ નોંધાવવા આવ્યો છું. ગાડી હજુ પણ આરોપીઓ પાસે જ જપ્ત છે."
દેવાયત ખવડે વધુમાં જણાવ્યું કે તેમણે પોલીસ ઇન્સ્પેક્ટર સાથે વાતચીત કરી છે અને રામ કાનજી ચૌહાણ, દ્રવરાજ અને તેમના ટોળકી વિરુદ્ધ અરજી કરી છે. તેમનો આરોપ છે કે પોલીસ FIR નોંધવામાં ઢીલ કરી રહી છે અને માત્ર અરજીની તપાસ કરવાનું જણાવી રહી છે. દેવાયત ખવડે ન્યાય માટે અપીલ કરતા જણાવ્યું હતું કે, "હું ન્યાય માટે અપીલ કરું છું, પોલીસ તાત્કાલિક FIR નોંધીને કાર્યવાહી કરે."
દેવાયત ખવડના ડ્રાઈવર કાનભાઈએ ઘટના વિશે માહિતી આપતા જણાવ્યું કે, "સનાથલમાં ભગવતસિંહને ત્યાં ડાયરાનો કાર્યક્રમ હતો. હું ડાયરો પતાવીને નીકળ્યો ત્યારે ભગવતસિંહ, રામભાઈ, ધ્રુવરાજસિંહ અને બ્રિજરાજસિંહે મને ગાળાગાળી કરી હતી. થાર અને ઈનોવા ગાડીઓમાં આવેલી ટોળકીએ કાર પર હુમલો કરીને કાચ ફોડી નાખ્યા હતા. તેમણે ગાડી અને કારમાં રહેલા 5 લાખ રૂપિયા પણ જપ્ત કરી લીધા હતા. ત્યારબાદ મને ચંગોદર પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખવામાં આવ્યો, છતાં પોલીસે મારી ફરિયાદ નોંધી ન હતી."
દેવાયત ખવડના પોલીસ સ્ટેશન પહોંચવાથી આ કેસમાં નવો વળાંક આવ્યો છે. હવે જોવાનું એ રહે છે કે પોલીસ આ મામલે FIR નોંધીને આગળની કાર્યવાહી ક્યારે શરૂ કરે છે અને દેવાયત ખવડને ન્યાય મળે છે કે કેમ.
આ પણ વાંચો...
વિવાદિત કલાકાર દેવાયત ખવડ ફરી વિવાદમાં: એક જ દિવસમાં બે ડાયરા રાખતા સાણંદ નજીક મોડી રાત્રે બબાલ