ગાંધીનગરમાં તૌકતે વાવાઝોડા વિશે માહિતી આપવા દરમિયાન મુખ્યમંત્રીએ ગુજરાતમાં નાઈટ કર્ફ્યૂ અંગે પણ જાહેરાત કરી છે. તા. ૧૮ મે-ર૦ર૧થી તા.૨૦ મે-ર૦ર૧ સુધી રાત્રી કર્ફ્યુનો અમલ લંબાવવામાં આવ્યો છે. મહત્વનું છે કે, 18 મેના દિવસે આંશિક લોકડાઉનનો સમય પૂર્ણ થઈ રહ્યો હતો. પરંતુ ગુજરાત પર વાવાઝોડાના સંકટના કારણે આંશિક લોકડાઉનમાં વધારો કર્યો છે. મુખ્યમંત્રીએ કોરોનાના કેસ વિશે પણ નિવેદન આપ્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે.
૮ મહાનગરો સહિત ૩૬ શહેરોમાં રાત્રિના ૮ થી સવારના ૬ વાગ્યા સુધી કોરોના કરફ્યુ અને વધારાના મર્યાદિત નિયંત્રણો લાગુ કરાયા છે. આ નિયંત્રણો દરમિયાન તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી, ખાદ્યપદાર્થોની દુકાનો તથા ચશ્માની દુકાનો ચાલુ રહેશે. ૩૬ શહેરોમાં તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ પ્રવૃત્તિઓ યથાવત ચાલુ રહેશે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના સંક્રમણ નિયંત્રણ માટેની ભારત સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા સંદર્ભે રાજ્યના ૩૬ શહેરોમાં રાત્રિ કરફયુ સહિત વધારાના મર્યાદિત નિયંત્રણો લંબાવવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ આ અંગે સ્પષ્ટ જણાવ્યું કે ગુજરાત સરકારે રાજ્યના સૌ નાગરિકોને હાલની સંભવિત વાવાઝોડા સહિત ની પરિસ્થિતિમાં તેમજ કોરોનાની સ્થિતિમાં સલામત-સુરક્ષિત રાખવા તેમજ ઓછામાં ઓછી તકલીફ પડે તેવી હમદર્દી સાથે રાત્રિ કરફયુ અને વધારાના મર્યાદિત નિયંત્રણો વધુ ત્રણ દિવસ માટે યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે.
આ ૩૬ શહેરો સિવાય રાજ્યના અન્ય વિસ્તારોમાં હાલ જે નિયંત્રણો અમલમાં છે તે તા. ૧૮મી મે ના સવારે ૬ વાગ્યાથી તા. ૨૧મી મેના સવારે ૬ વાગ્યા સુધી અમલી રહેશે.
મુખ્યમંત્રીએ રાજ્યના નાના મોટા વેપારી, ઊદ્યોગો તથા જનતા જનાર્દને રાજ્યમાં કોરોના સંક્રમણ અટકાવવાના હેતુથી રાત્રિ કરફયુ સહિતના વધારાના નિયંત્રણોના અમલમાં આપેલા સહયોગ અંગે આભારની લાગણી વ્યકત કરી હતી. તેમણે ઉમેર્યુ કે, સૌના સહિયારા પ્રયાસો ફળદાયી નિવડયા છે અને કોરોના કેસોનું પ્રમાણ ઘટી રહ્યું છે.
રાજ્ય સરકારે સમગ્ર પરિસ્થિતીનો કયાસ કાઢીને અને નાગરિકોને વધુ સલામતિ આપવાના આશયથી રાત્રિ કરફયુ સહિતના મર્યાદિત નિયંત્રણો વધુ ત્રણ દિવસ લંબાવવાનો નિર્ણય કર્યો છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.