ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી કોર કમિટીની બેઠકમાં કેટલીક મહત્વની જાહેરાતો કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, અગાઉ જે 8 મહાનગરો સહિત 29 શહેરોમાં કોરોના કરફ્યૂ હતો તે ઉપરાંત હવે વધુ 7 શહેરો ડીસા, અંકલેશ્વર, વાપી, મોડાસા, રાધનપુર, કડી અને વિસનગર સહિત કુલ 36 શહેરોમાં રાત્રીના 8 થી સવારના 6 વાગ્યા સુધી કોરોના કરફ્યૂ અને વધારાના નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે. 6 મે 2021થી તારીખ 12 મે 2021 સુધી દરરોજ રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફયુનો અમલ કરવાનો રહેશે.
આ નિયંત્રણો દરમિયાન તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચાલુ રહેશે. આ ૩૬ શહેરોમાં તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ પ્રવૃત્તિઓ યથાવત ચાલુ રહેશે.
આ સમયગાળા દરમિયાન સમગ્ર રાજ્યમાં શૈક્ષણિક સંસ્થા અને કોચિંગ સેન્ટરો (ઓનલાઇન શિક્ષણ સિવાય), સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, વોટર પાર્ક, જાહેર બાગ-બગીચા, મનોરંજન સ્થળો, સલૂન, સ્પા, બ્યુટી પાર્લર, જીમ, સ્વિમીંગ પુલ ઉપરાંત તમામ પ્રકારના મોલ તથા કોર્મશિયલ કોમ્પ્લેક્ષ બંધ રહેશે.
સમગ્ર રાજ્યમાં APMCમાં માત્ર શાકભાજી તથા ફળ-ફળાદીનું ખરીદ વેચાણ ચાલુ રહેશે. જે દરમિયાન COVID-19 સંબંધીત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
આ સમયગાળા દરમ્યાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ 50 વ્યક્તિઓની મંજૂરી રહેશે. લગ્ન માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણીની જોગવાઇ યથાવત રહે છે. અંતિમક્રિયા/દફનવિધિ માટે મહત્તમ 20 વ્યક્તિઓની મંજૂરી રહેશે.
તમામ પ્રકારના રાજકીય, સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, કાર્યક્રમો/મેળાવડાઓ સદંતર બંધ રહેશે. પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ/સ્પોર્ટ્સ સ્ટેડીયમ/સંકુલમાં પ્રેક્ષકો વગર રમત-ગમત ચાલુ રાખી શકાશે. તમામ ધાર્મિક સ્થાળો જાહેરજનતા માટે બંધ રહેશે. ધાર્મિક સ્થાનો ખાતેની દૈનિક પૂજા/વિધી ધાર્મિક સ્થાનોના સંચાલકો/પૂજારીઓ દ્વારા જ કરવાની રહેશે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ભારત સરકારના ગૃહ મંત્રાલયની તા 26 એપ્રિલની માર્ગદર્શિકા સંદર્ભે વધારાના નિયંત્રણો મૂકવાના મહત્વના નિર્ણયો કર્યા છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી આ કોર કમિટીમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઊર્જા મંત્રી સૌરભભાઇ પટેલ, મુખ્ય સચિવ અનિલ મુકિમ, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર તેમજ અધિક મુખ્ય સચિવો ડૉ. રાજીવકુમાર ગુપ્તા, મનોજકુમાર દાસ, પોલિસ મહાનિર્દેશક આશિષ ભાટિયા અને વરિષ્ઠ સચિવો જોડાયા હતા.