નીતિનભાઈ પટેલનું મુખ્યમંત્રી બનવાનું સપનું તેમના મનમાં જ રહી ગયું.  આખું ગુજરાત જેમને ઓળખતું હોય તેવા મુખ્યમંત્રીની છે જરૂર છે એવું નિવેદન નીતિનભાઈએ સવારે જ આપ્યું હતું. જોકે પાર્ટીએ એવા નેતાને કમાન સોંપી જેઓ મુખ્યમંત્રીની રેસમાં જ હતા નહીં. ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના નવા મુખ્યમંત્રી બન્યા બાદ નીતિન પટેલ મહેસાણા ખાતે આયોજીત એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા.


મહેસાણા ખાતે નીતિન પટેલે કહ્યું કે, ‘હું અસલ મહેસાણી છું, અનેક ઉતાર-ચઢાવ જોયા. જ્યાં સુધી જનતા અને કાર્યકરના હૃદયમાં છું, ત્યાં સુધી કોઈ મને કાઢી નહીં શકે.’ પોતાના પર સોશિયલ મીડિયામાં થઈ રહેલી ચર્ચા પર નીતિન પટેલે આ નિવેદન આપ્યું હતું.


2014માં મોદી પીએમ બન્યા બાદ પણ નીતિન પટેલનું હતું નામ


2014માં જ્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી નીતિન પટેલનું નામ ચર્ચામાં આવ્યું હતું. તે વખતે તેમણે ખુદ મિડીયા સમક્ષ કહ્યું હતું કે હું મુખ્યમંત્રી બનવા તૈયાર છું. જો કે તે સમયે નરેન્દ્ર મોદીએ સિનિયર મંત્રી આનંદીબહેન પટેલનું નામ આગળ કરતાં ખુદ અમિત શાહે તેમના નામ સાથે સંમતિ દર્શાવતાં નીતિન પટેલનું પત્તુ કપાઇ ગયું હતું.


આનંદીબેનના રાજીનામા વખતે પણ હતા દાવેદાર


બીજી વખત જ્યારે આનંદીબહેન પટેલે રાજીનામું આપ્યું ત્યારે તેઓ ફરી ચિત્રમાં આવ્યા હતા. એ સમયે પણ તેમની નજીકના સૂત્રોએ કહ્યું હતું કે ગુજરાતના નવા મુખ્યમંત્રી નીતિન પટેલ છે અને અમે તેની તૈયારી કરી રહ્યાં છીએ. જો કે બીજી વખત અમિત શાહની પસંદ વિજય રૂપાણી રહ્યાં હતા પરંતુ નીતિન પટેલની નારાજગીના કારણે છેવટે તેમને નાયબ મુખ્યમંત્રીનું પદ આપવામાં આવ્યું હતું. જો કે એ સમયે નાણા જેવો મહત્વનો વિભાગ નહીં આપતાં તેમણે હોદ્દો સ્વિકાર્યો ન હતો.


ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના નવા સીએમ


ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામ પર પસંદગીની મહોર મારવામાં આવી છે. તેઓ અમદાવાદની ઘાટલોડિયા બેઠકના ધારાસભ્ય છે. તેઓ ભાજપના એક સાદગીભર્યા અને જમીની સ્તરના કાર્યકર છે અને આનંદીબેન પટેલના નજીકના ગણાય છે.