ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે અને ભાજપ-કોંગ્રેસના સભ્યો એકબીજા પર આક્ષેપોનો મારો ચલાવી રહ્યા છે ત્યારે સોમવારે ચર્ચા દરમિયાન નીતિન પટેલે રાજીનામાની ઓફર કરી દીધી હતી. સામે કોંગ્રેસના સભ્યોએ પણ નીતિન પટેલને ક્યારે રાજીનામું આપશો એવા સવાલ કર્યા હતા ને નીતિન પટેલે પણ હળવા અંદાજમાં જવાબ આપતાં ગૃહમાં હળવી ક્ષણો સર્જાઈ હતી.


વિધાનસભામાં નર્મદા વિભાગના બજેટની ચર્ચાનો જવાબ આપતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, અમારી સરકારની ‘સૌની’ યોજનામાં ક્યાંક ચૂક રહી હશે એ હું સ્વીકારું છું પરંતુ જો અહીં બેઠેલા એક પણ સભ્ય એમ કહેશે કે ‘સૌની’ યોજનાથી ફાયદો નથી થયો તો હું રાજીનામું આપી દઇશ.


આ સાંભળીને કોંગ્રેસના ધારાસભ્યોએ નીતિન પટેલને સંબોધીને સવાલ કર્યો હતો, ‘સાહેબ, રાજીનામું ક્યારે આપવાના છો એ તો કહો ?’  


ગૃહમાં નીતિન પટેલના રાજીનામાના મુદ્દે ભાજપ અને કોંગ્રેસ બંનેના ધારાસભ્યો દ્વારા હળવા અંદાજમાં કોમેન્ટ ચાલુ થઇ ગઇ હતી. અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ પણ કોમેન્ટ કરી કે, નીતિનભાઈ પ્લીઝ એવું ના કરશો.


નીતિવ પટેલે પણ હળવા અંદાજમાં જવાબ આપતાં સ્પીકરને સંબોધીને કહ્યું કે, સાહેબ કામ સારૂ ના કર્યું હોય તો રાજીનામું આપવાનું કહ્યું છે. અમે તો સારૂ કામ કર્યું છે એટલે રાજીનામું આપવાનો પ્રશ્ન આવતો જ નથી.