રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી વરસાદ વિરામ લીધો છે. ગુજરાતમાં અલગ-અલગ જગ્યાઓ પર વરસાદી ઝાપટા પડી રહ્યા છે. ક્યાંય પણ ભારે વરસાદ નોંધાયો નથી. હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી અનુસાર, રાજ્યમાં આગામી સાત દિવસ સુધી વરસાદ વરસશે. હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી અનુસાર, હાલ ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન જેવી વિવિધ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ પડવાની સંભાવના છે.
સમગ્ર રાજ્યમાં સરેરાશ 680.18 મિ.મી. વરસાદ નોંધાયો છે, જેના પરિણામે રાજ્યમાં સામાન્ય કરતાં હજુ પણ 2% વરસાદની ઘટ છે. જો કે, ચિંતાનો વિષય એ છે કે સૌરાષ્ટ્ર અને કચ્છ પંથકમાં વરસાદની ખેંચ હજુ પણ યથાવત્ છે, જ્યાં નોંધપાત્ર 26% વરસાદની મોટી ઘટ નોંધાઈ છે. રાજ્યની આસપાસ કેટલીક સિસ્ટમો સક્રિય છે જેના લીધે આગામી 7 દિવસ માટે વરસાદની સંભાવના રહેશે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, સુરત, નવસારી, દમણ, વલસાડ, નર્મદા અને ડાંગમાં યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી 4 દિવસ સુધી અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે. રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. આગામી સાત દિવસ સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી ઝાપટા વરસી શકે છે.
રાજ્યમાં વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી
હવામાન આગાહીકાર અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, રાજ્યમાં વરસાદના વિરામ પાછળ અલનીનોની અસર જોવા મળી રહી છે. જામનગર, દ્વારકા અને પોરબંદર સહિત કચ્છ, વાવ-થરાદ અને બનાસકાંઠામાં ઓછો વરસાદ થયો છે. ઈરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન તરફથી આવતા સુકા પવનોના કારણે પણ વરસાદનું પ્રમાણ ઓછું રહ્યું છે. જોકે, પશ્ચિમ સૌરાષ્ટ્રમાં સપ્ટેમ્બર મહિનામાં વરસાદની સંભાવના છે. સાથે જ સપ્ટેમ્બરની શરૂઆતથી ઉત્તર ભારતમાં ચોમાસાની વિદાય શરૂ થવાની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો-Gujarat Rain: રાજ્યમાં આગામી 4 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
ઓડિશામાં વરસાદનું રેડ એલર્ટ
છત્તીસગઢમાં પણ આજે કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. જ્યારે ઉત્તરાખંડ, પૂર્વી મધ્ય પ્રદેશ માટે પણ અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઓડિશામાં ભારેથી અતિભારે વરસાદને લઈ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
