અમદાવાદ : હવામાન વિભાગે રાજ્યમાં આજે પણ વરસાદની આગાહી કરી છે. આગામી સાત દિવસ ક્યાંય ભારે તો ક્યાંક સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.  12 ઓગસ્ટ બાદ રાજ્યભરમાં વરસાદનું જોર વધશે.  આ સિવાય કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદનું જોર ઘટી ગયું છે.  

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં અમુક સ્થળોએ એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. 

આ સિવાય ઉત્તર અને દક્ષિણ ગુજરાત ક્ષેત્રના તમામ જિલ્લાઓ જેમ કે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગર,  વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગે આપેલા વેધર મેપ પ્રમાણે, 9થી 12 ઓગસ્ટ સુધીમાં આખા ગુજરાતના તમામ જિલ્લામાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.

ઓગસ્ટમાં ભારે વરસાદની આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે હાલમાં વરસાદી ઝાપટા રહેશે. 6 ઓગસ્ટથી લઈને આગામી 12 ઓગસ્ટ સુધી વરસાદી ઝાપટા વધવાની શક્યતા રહેશે. 19 થી 22માં પણ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઓગસ્ટના અંત સુધીમાં રાજ્યના કેટલક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં નદીઓમાં પૂરની સ્થિતિ પણ બની શકે છે.

17મી ઓગસ્ટમાં બંગાળના ઉપસાગરમાં એક મજબૂત સિસ્ટમ બનશે જેનો ટ્રેક મધ્યપ્રદેશના ભાગો અને ગુજરાતના ભાગોમાં આવતા તારીખ 20 ઓગસ્ટથી ઓગસ્ટના અંતમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થતા કોઈ ભાગોમાં પૂરની સ્થિતિ રહેશે. બંગાળ ઉપસાગરની સિસ્ટમ સાનુકૂળ સ્થિતિ હશે તો ડીપ ડિપ્રેશન બની શકે છે. તારીખ 13 થી 14 ઓગસ્ટમાં ભારતમાં ચોમાસું સક્રિય થશે એટલે ખેડૂત ભાઈઓને વરસાદની ચિંતા કરવા જેવુ નથી. 

રાજ્યમાં સિઝનનો સરેરાશ 63 ટકા વરસાદ નોંધાયો

ગુજરાતમાં સિઝનનો સરેરાશ 63 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 67.11 ટકા વરસાદ વરસ્યો છે. કચ્છમં 64.16 ટકા, ઉત્તર ગુજરાતમાં 65.47 ટકા, પૂર્વ મધ્યમાં 64.87 ટકા, સૌરાષ્ટ્રમાં 55. 11 ટકા વરસાદ નોંધાયો છે. સરદાર સરોવર ડેમ 82.91 ટકા ભરાયો છે, જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયોમાં 67.97 ટકા પાણીનો સંગ્રહ થયો છે.

સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત સહિત ગુજરાતભરમાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોએ ખરીફ પાકોનું ઉત્સાહભેર વાવેતર કર્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 63 ટકા નોંધાયો છે. રાજ્યમાં વરસાદનું સમયસર આગમન થતા આ વર્ષે વાવેતર વિસ્તારમાં વધારો થશે તેમજ સારા વરસાદના પરિણામે ખેડૂતોને પણ સારી ઉપજ મળશે.