Gujarat Rain Forecast:હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે. આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ત્રીજા રાઉન્ડમાં રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદનો અનુમાન છે. ક્યાક સામાન્યથી ભારે તો કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આજે વરસાદને લઈને ઓરેંજ એલર્ટ અપાવામાં આવ્યું છે.
આજે ક્યા ઓરેન્જ એલર્ટ ?
- જૂનાગઢ
- ગીર સોમનાથ
- નવસારી
- દીવ
સૌરાષ્ટ્ર અને દ. ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં પણ સામાન્યથી ભારે વરસાદનું અનુમાન છે.ગઇકાલે મેઘરાજાએ સૌરાષ્ટ્રને ઘમરોળ્યું, સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદ વરસ્યો, સૂત્રાપાડામાં સૌથી વધુ 14 અને ધોરાજીમાં 12 ઈંચ વરસાદ ખાબકતાં સમગ્ર શહેર અને આસપાસના ગામડા પાણી પાણી થઇ ગયા રસ્તા પર ધસમતી નદી વહેતી હોય તેવા દ્વશ્યો સર્જાયા હતા. જામકંડોરણામાં બે કલાકમાં છ ઈંચ વરસાદ ખાબક્યો હતો.
ગીર સોમનાથ જિલ્લામાં મૂશળધાર વરસાદ વરસતા દેવકા નદીમાં પાણીની ભરપૂર આવક થઇ. નદી કાંઠાના કરમચંદબાપા ચોક, સિંધી વાડી, બીહારી નગર વિસ્તારમા પાણી ઘૂસી ગયા હતા. ગીર સોમનાથમાં વેરાવળમાં બાદલપરા ગામ પાસે આવેલ સરસ્વતી નદીમાં પાણીની જોરદાર આવક થઇ છે. નદીનું જળસ્તર ખતરાના નિશાનની ઉપરત વહેતા નદીના પાણી બ્રિજ પર ફરી વળ્યા છે. પ્રાચીતીર્થમા સરસ્વતી નદીમા ઘોડાપૂર આવતા મોડી રાત્રે ઘાટ પાણીમાં ગરકાવ થઇ ગયો.
ગીર સોમનાથના વેરાવળની સોસાયટી વિસ્તારમાં પાણી ભરાઇ જતાં જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. આઝાદ સોસાયટી, શિવજી નગર, બજરંગ સોસાયટી, હાઉસિંગ સોસાયટી સહિતના વિસ્તારમાં પાણી ભરાતા લોકોની મકાનમાં રહેલી ઘરવખરીને પણ નુક્સાન થયું છે. ગીર સોમનાથમાં સુત્રાપાડાના પસનાવડા ગામે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકો પરેશાનીમાં વધારો થયો છે.ગીર સોમનાથના કોડિનારમાં પણ સાંબેલાધાર વરસાદ વરસ્યો છે. નિચાણવાળા વિસ્તારોમાં ઘુંટણસમા પાણી ભરાતા લોકોની હેરાનગતિ વધી છે.
નવસારી જિલ્લામાં પણ વિરામ બાદ વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો, નવસારી શહેરમાં ભારે વરસાગના કારણે એસટી ડેપો સહિતન વિસ્તારમાં પાણી ભરાઇ જતાં વાહન ચાલકોની મુશ્કેલી વધી છે.
અમરેલી જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. બગસરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસતા મોટા મુંજયાસર, સુડાવડ સહિતના ગામોમાં વરસાદી પાણી પાણી ફરી વળ્યાં હતા. અમરેલી-સાવરકુંડલા નેશનલ હાઇવે ઉપર ફરી વળતા વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. ભારે વરસાદના કારણે શેત્રુંજી નદીમાં પણ પાણીની ભરપૂર આવક થઇ છે.રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં ગાજવીજ સાથે પડેલો વરસાદ આફતરૂપ બન્યો અહી કડુકા ગામમાં વીજળી પડવાને કારણે ખેતરમાં કામ કરી રહેલાં પાયલ બેરાણી નામની યુવતીનું મોત થયું છે.