ગાંધીનગર: ચૂંટણી પંચે  લોકસભા ચૂંટણી પહેલા કડક કાર્યવાહી કરી છે. ચૂંટણી પંચે 6 રાજ્યોના ગૃહ સચિવને હટાવવાના આદેશ આપ્યા છે. 6 રાજ્યોના ગૃહ સચિવોને ચૂંટણી પંચે હટાવી દીધા છે. ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડનો સમાવેશ થાય છે. આ સાથે પશ્ચિમ બંગાળના ડીજીપીને પણ હટાવવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.






ચૂંટણી પંચનું કહેવું છે કે, ચૂંટણીમાં લેવલ પ્લેઇંગ ફિલ્ડ સુનિશ્ચિત કરવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે. ચૂંટણી પંચની આ કાર્યવાહી એક મજબૂત સંદેશ આપે છે કે લોકસભા ચૂંટણી 2024 સમાન સ્તરે યોજવામાં આવશે. ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના ડીજીપીને રાજ્યની 2016ની વિધાનસભા ચૂંટણી અને 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન સક્રિય ચૂંટણી ફરજ પરથી હટાવી દીધા હતા. આ સાથે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કમિશનર ઈકબાલ સિંહ ચહલની સાથે એડિશનલ કમિશનર અને ડેપ્યુટી કમિશનરને પણ હટાવી દેવામાં આવ્યા છે. આ સાથે મિઝોરમ અને હિમાચલ પ્રદેશના GAD સેક્રેટરીને પણ હટાવી દેવામાં આવ્યા છે. 


ગુજરાતના ગૃહ સચિવ તરીકે પંકજ જોશી ફરજ બજાવી રહ્યા છે. પંકજ જોશી વર્ષ 1989 બેચના IAS અધિકારી છે. પંકજ જોશી અગાઉ નાણાં વિભાગ, એનર્જી અને પેટ્રોકેમિકલ વિભાગના પણ ફરજ બજાવી ચૂક્યા છે. પંકજ જોશી તાજેતરમાં જ અધિક ગૃહ સચિવ તરીકે નિયુક્ત થયા હતા. તત્કાલીન આઈએએસ મુકેશ પુરી 31 જાન્યુઆરી, 2024ના રોજ નિવૃત્ત થયા બાદ પંકજ જોષીને ગૃહ વિભાગનો હવાલો સોંપવામાં આવ્યો હતો.  


દેશમાં  લોકસભા ચૂંટણી 2024 7 તબક્કામાં યોજાશે. આ ચૂંટણી 19 એપ્રિલથી શરુ થશે અને 1 જૂન સુધી ચાલું રહેશે. જેનું પરિણામ 4 જૂને આવશે. 


આ રાજ્યોમાં એક ચરણમાં થશે મતદાન 


અરુણાચલ પ્રદેશ, અંડમાન અને નિકોબાર, આંધ્ર પ્રદેશ, ચંડીગઢ, દાદરા નગર હવેલી, દિલ્હી, ગોવા, ગુજરાત, હિમાચલ પ્રદેશ, હરિયાણા, કેરલા, લક્ષદ્વિપ, લદ્દાખ, મિઝોરમ, મેઘાલય, નાગાલેન્ડ, પુડુચેરી, સિક્કિમ, તમિલનાડૂ, પંજાબ, તેલંગાણા, ઉત્તરાખંડમાં એક જ તબક્કમાં મતદાન થશે.