અમરેલી: ધારી તાલુકા જળજીવડી ગામે મધરાતે દીપડાએ યુવક પર હુમલો કર્યો હતો. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર પ્રેમજીભાઈ નામના વ્યક્તિ તેમના ઘરના ફળિયામાં ખુલ્લામાં સુતા હતા ત્યારે મધરાત્રે દીપડો દિવાલ કૂદીને ઘરમાં આવી ચડ્યો હતો. ત્યાર બાદ ફરજામાં બાંધેલી પાડીનું મારણ કરવા લાગ્યો હતો. જે બાદ પ્રેમજીભાઈ જાગી ગયા હતા અને તેમણે દીપડાને ટપારતા દીપડાએ તેમના પર હુમલો કરી દીધો હતો.
ત્યાર બાદ પ્રેમજીભાઈએ દીપડા સામે બાથ ભીડી હતી જેમા તેઓ ઘાયલ થતાં હોસ્પિટલે ખસેડાયા હતા. પોતાના પાળતું પશુને બચાવવા પ્રેમજીભાઈએ પોતાનો જીવ જોખમમાં મુક્યો હતો. ત્યાર બાદ આ અંગે વનવિભાગની રેસ્ક્યુ ટીમને જાણ કરતા વનવિભાગ ઘટના સ્થળે દોડી આવી હતી અને ત્રણ કલાકની મહેનત બાદ દિપડો પાંજરે પુરાતા લોકોમાં હાશકારો થયો હતો.
અમદાવાદ સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો, લોકોને ગરમીમાં મળી રાહત
ગાંધીનગરઃ રાજ્યના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે. અમદાવાદ, બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ છે. અમદાવાદમાં સવારથી જ વાદળછાયા વાતાવરણથી લોકોને ગરમીમાં રાહત મળી છે. તો આ તરફ બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. પાલનપુર, વડગામ, અમીરગઢમાં ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકોને પરેશાસીનો સામનો કરવો પડ્યો. તો આ તરફ અચાનક વાતાવરણમાં આવેલા પલટાથી ખેડૂતોમાં ચિંતા છે.જો કે હાલ તો લોકોને ગરમીથી રાહત મળી છે.
અરવલ્લી જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. યાત્રાધામ શામળાજી પંથકમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છે. તો મહિસાગર જિલ્લાના પણ અનેક વિસ્તારોમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ છે. વાદળછાયા વાતાવરણથી લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર 25 મેથી દક્ષિણ ગુજરાતમાં પ્રિમોન્સૂન એક્ટિવિટિનો પ્રારંભ થશે. 25 મેના રોજ નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં હળવો વરસાદ પડે તેવી સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ 10 જૂનથી થાય તેવી સંભાવના છે. ૧૫ થી ૨૦ જૂનની વચ્ચે રાજ્યના મોટાભાગના હિસ્સામાં ચોમાસું પ્રવેશ કરી લેશે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં આ વખતે વરસાદનું પ્રમાણ સાધારણ રહે તેવી સંભાવના છે. શનિવારે સાંજ બાદ અમદાવાદ સહિત રાજ્યભરમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો. સાંજ પડતા ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી હતી જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.
રાજ્યમાં આગામી 4-5 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થતા ગરમીમાં આંશિક રાહત અનુભવાશે. હવામાન વિભાગના મતે હવે અમદાવાદમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર જવાની સંભાવના નહીવત છે. શનિવારે સૌથી વધુ ગરમી પાટણમાં 42.4 ડિગ્રી નોંધાઈ. જ્યારે ગાંધીનગર જૂનાગઢ, વડોદરા, ભાવનગરમાં પારો 41 ડિગ્રીથી વધારે નોંધાયો હતો.