Valsad, Pardi News: ગુજરાતમાં અત્યારે ચૂંટણીનો માહોલ જામ્યો છે. સરકાર દ્વારા વિકાસની વાતો થઇ રહી છે. ત્યારે પારડીમાંથી વિકાસની એક વિચિત્ર ઘટના સામે આવી છે. અહીં રૉડ પર જર્જરીત ગટરનું ઢાંકણુ તૂટતા યુવક ગટરમાં ખાબક્યો હોવાની ઘટના ઘટી છે. પારડી નેશનલ હાઇવેની સાઇડ પર આવેલી મહેતા એજન્સીનાની દુકાનમાં દુકાનદાર જ્યારે ફોન પર વાતો કરી રહ્યાં હતા, તે દરમિયાન અચાનક ગટરનું ઢાંકણું તૂટતા ગટરમાં પડ્યા હતા, જોકે, સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે તેમનું રેસ્ક્યૂ કરી લીધુ હતુ. યુવકને પગમાં ઇજાઓ પહોંચી હતી. 

ઘટનાની વિગતો એવી છે કે, પારડી નેશનલ હાઇવેની સાઇડ પર આવેલી મહેતા એજન્સી નામની દુકાન પાસે દુકાનદાર નિખિલ ગોલાની પોતાની દુકાન સામે આવેલી ગટર ઉપર ઊભા રહીને જ્યારે મોબાઈલ ફોન પર વાત કરી રહ્યાં હતા, ત્યારે અચાનક ગટરનું જર્જરીત થઈ ગયેલું સિમેન્ટનું ઢાંકણું તૂટી ગયુ હતુ. સેકન્ડોમાં જ દુકાનદાર સીધા આ ગટરમાં પડી ગયા હતા. જોકે, સ્થાનિકોએ તેમનું તાત્કાલિક રેસ્ક્યૂ કરીને હૉસ્પીટલ ખસેડ્યા હતા. 

મહત્વનું છે કે, નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા બનાવવામાં આવેલી આ ગટરો છેલ્લા ઘણા સમયથી જર્જરીત હાલતમાં છે, અને સ્થાનિકો દ્વારા આની અનેકવાર હાઇવે ઓથોરિટીને રજૂઆતો અને જાણ પણ કરવામાં આવી ચૂકી છે. એટલુ જ નહીં સ્થાનિકોએ આ ઘટના બાદ જણાવ્યું કે અહીં મુકવામાં આવેલા સ્લેબ પણ વર્ષો જુના અને હલકી ગુણવત્તાના છે, જેથી અકસ્માતની ઘટનાનો સતત ભય રહે છે. સ્થાનિકોની માંગ છે કે, તાત્કાલિક આનું રીપેરકામ કે બદલવામાં આવે.