અમદાવાદ: હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ રાજ્યમાં વરસાદ અને ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને  લઈ આગાહી કરી છે.  તેમના જણાવ્યા મુજબ આ વખતે ચોમાસામાં અલનીનોની અસર નહીં હોય. આ વર્ષે ચોમાસું સારું રહેવાની સંભાવના છે.  હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, 15 જૂને ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે. આ વર્ષે માવઠું અને પ્રિ મોનસૂન એક્ટિવિટી જોવા મળી. તાપમાનની દ્રષ્ટિએ મે મહિનો ખૂબ નીચો રહ્યો છે. 

15 જૂને ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરે તેવી શક્યતા

તેમણે વધુમાં જણાવ્યું કે, આગામી 15 જૂને ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરે તેવી શક્યતા છે. અત્યારે ચોમાસું મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયું છે. ત્યાં આવીને ચોમાસું નબળું પડ્યું છે. મોનસૂન બ્રેકની કન્ડિશનને લીધે આગામી 15 જૂન સુધીમાં ચોમાસું આવી જાય તો સારું અથવા 18થી 22 જૂન સુધીમાં તો ગુજરાતમાં ચોમાસુ પહોંચે તેવી શક્યતાઓ છે. 

ચોમાસું સારુ રહેવાની આગાહી

પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ ચોમાસું નબળું થાય તેવી કોઈ શક્યતાઓ નથી. આ વર્ષે ચોમાસું સારુ રહેવાની આગાહી કરવામાં આવી છે.  તેમણે વધુમાં જણાવ્યું કે, બે રાઉન્ડની અંદર પ્રિ મોનસૂન એક્ટિવિટી હજુ પણ થવાની છે. જો કે એ પ્રિ મોનસૂન એક્ટિવિટી એકદમ સામાન્ય હશે. સમગ્ર જૂન મહિનો એટલે કે 30એ 30 દિવસ આપણે ગરમી ઉકળાટ અને બફારાનો સામનો જૂન મહિનામાં કરવો પડશે. નૈરુત્યનું ચોમાસું 18થી 22 જૂન સુધીમાં ગુજરાતમાં પ્રવેશ કરે તેવી સંભાવનાઓ છે.  

કેરળમાં ચોમાસાનું વહેલું આગમન 

દક્ષિણપશ્ચિમ ચોમાસુ સામાન્ય રીતે 1 જૂન સુધીમાં કેરળમાં પ્રવેશ કરે છે અને 8 જુલાઈ સુધીમાં સમગ્ર દેશને આવરી લે છે. ઉત્તરપશ્ચિમ ભારતમાંથી તેની વિદાય 17 સપ્ટેમ્બરની આસપાસ શરૂ થાય છે અને 15  ઓક્ટોબર સુધીમાં સંપૂર્ણપણે પરત ફરે છે. 16 વર્ષમાં આ પહેલી વાર છે જ્યારે કેરળમાં ચોમાસુ આટલું વહેલું પહોંચ્યું છે. કેરલમાં ચોમસાની એન્ટ્રી થઈ ગઈ છે.  આ વર્ષે, 2009 પછી પહેલી વાર, ચોમાસુ ભારતની મુખ્ય ભૂમિ પર આટલું વહેલું પહોંચી ગયું છે.

રાજ્યમાં 8 જૂન સુધી વરસાદની આગાહી

રાજ્યમાં કમોસમી વરસાદનું સિલસિલો યથાવત છે. આજે પણ હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,  રાજ્યમાં આજથી 8 જૂન સુધી છૂટાછવાયા વરસાદની આગાહી  છે. રાજ્યમાં ક્યાંક હળવો તો ક્યાંક મધ્યમ વરસાદ વરસશે.