અમદાવાદ: છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં સતત કમોસમી વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે પણ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. હવે તમામની નજર ચોમાસા પર છે કે ક્યારે ચોમાસાની એન્ટ્રી થશે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ રાજ્યમાં વરસાદ અને ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઈ મોટી આગાહી કરી છે. આ વર્ષે ચોમાસું સારું રહેવાની સંભાવના છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, 15 જૂને ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે.
પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે આ વર્ષે માવઠું અને પ્રિ મોનસૂન એક્ટિવિટી જોવા મળી. તાપમાનની દ્રષ્ટિએ મે મહિનો ખૂબ નીચો રહ્યો છે. તેમના જણાવ્યા મુજબ આ વખતે ચોમાસામાં અલનીનોની અસર નહીં હોય.
15 જૂને ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે
પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, આગામી 15 જૂને ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ જશે. અત્યારે ચોમાસું મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયું છે. ત્યાં આવીને ચોમાસું નબળું પડ્યું છે. મોનસૂન બ્રેકની કન્ડિશનને લીધે આગામી 15 જૂન સુધીમાં ચોમાસું આવી જાય તો સારું અથવા 18થી 22 જૂન સુધીમાં તો ગુજરાતમાં ચોમાસુ પહોંચે તેવી શક્યતાઓ છે.
ચોમાસું સારુ રહેવાની આગાહી
પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ ચોમાસું નબળું થાય તેવી કોઈ શક્યતાઓ નથી. આ વર્ષે ચોમાસું સારુ રહેવાની આગાહી કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, બે રાઉન્ડની અંદર પ્રિ મોનસૂન એક્ટિવિટી હજુ પણ થવાની છે. જો કે એ પ્રિ મોનસૂન એક્ટિવિટી એકદમ સામાન્ય હશે. સમગ્ર જૂન મહિનો એટલે કે 30એ 30 દિવસ આપણે ગરમી ઉકળાટ અને બફારાનો સામનો જૂન મહિનામાં કરવો પડશે. નૈરુત્યનું ચોમાસું 18થી 22 જૂન સુધીમાં ગુજરાતમાં પ્રવેશ કરે તેવી સંભાવનાઓ છે.
પ્રિમોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ
15 જૂન બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે એવું નિષ્ણાત અને હવામાન મોડલ કહી રહ્યાં છે. જો કે હાલ ગુજરાતમાં પ્રિમોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ વરસી રહ્યો છે, આજે અમદાવાદ સહિત 13 જિલ્લામાં હળવા વરસાદનું અનુમાન છે.
રાજ્યમાં હાલ પ્રિમોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ વરસી રહ્યો છે. કેટલાક વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ અને ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે તો રાજ્યના કેટલાક વિસ્તારમાં તાપમાનનો પારો 40ને પાર જતાં અકળાવી દેતી ગરમીનો અનુભવ થઇ રહ્યો છે.
રાજ્યના આ 13 જિલ્લામાં આજે વરસાદની આગાહી
આજે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા,પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.ઉપરાંત ખેડા,આણંદ, પંચમહાલ, દાહોદ,મહિસાગર, વડોદરા, છોટાઉદેપુર,નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ,સંઘપ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ હળવા વરસાદનું અનુમાન છે. રાજ્યના આ 13 જિલ્લામાં આજે 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની સાથે વરસાદનું અનુમાન છે.