Paresh Goswami rain forecast Gujarat: હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગુજરાત માટે 4 થી 8 સપ્ટેમ્બર દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં બનેલી એક નવી વરસાદી સિસ્ટમ 'વેલમાર્ક લો પ્રેશર' માંથી 'ડિપ્રેશન' સ્વરૂપે ગુજરાત પર ત્રાટકશે, જે આ ચોમાસાની સૌથી મજબૂત સિસ્ટમ હશે. આને કારણે અમુક વિસ્તારોમાં 15 ઇંચથી પણ વધુ વરસાદ વરસી શકે છે. આ વરસાદનો લાભ લગભગ 70-80 ટકા ગુજરાતને મળશે, ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં તેનું જોર વધુ રહેશે.

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ, ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદનો એક મજબૂત રાઉન્ડ શરૂ થવાનો છે, જેનું મુખ્ય કારણ બંગાળની ખાડીમાં સક્રિય થયેલી નવી વરસાદી સિસ્ટમ છે. હાલમાં, આ સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં છે, પરંતુ તે આગામી 24 કલાકમાં એટલે કે 2 સપ્ટેમ્બરના રોજ વધુ મજબૂત બનીને 'વેલમાર્ક લો પ્રેશર' માં પરિવર્તિત થશે.

આ સિસ્ટમ ઓડિશા, છત્તીસગઢ અને મધ્યપ્રદેશ થઈને ધીમે ધીમે ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધશે અને લગભગ 3 સપ્ટેમ્બરની રાત્રે અથવા 4 સપ્ટેમ્બરની સવારે ગુજરાતની સરહદો સુધી પહોંચશે.

ચોમાસાનું પ્રથમ 'ડિપ્રેશન' ગુજરાત પર

પરેશ ગોસ્વામીએ ચેતવણી આપતા જણાવ્યું છે કે, સૌથી મહત્વની વાત એ છે કે આ સિસ્ટમ ગુજરાત પર આવીને વધુ મજબૂત બનીને 'ડિપ્રેશન'માં પરિવર્તિત થવાની સંભાવના છે. ચોમાસા 2025 માં અત્યાર સુધી ગુજરાત પર એક પણ 'ડિપ્રેશન' પસાર થયું નથી, જેના કારણે આ સિસ્ટમને અત્યંત ગંભીર માનવામાં આવે છે. તેની તીવ્રતાને કારણે, 4 થી 8 સપ્ટેમ્બર દરમિયાન અમુક વિસ્તારોમાં 10 થી 12 ઇંચ, 12 થી 15 ઇંચ, અને ક્યાંક તો 15 ઇંચથી પણ વધુ વરસાદ વરસી શકે છે.

કયા વિસ્તારોમાં થશે વરસાદ?

આગાહી અનુસાર, આ વરસાદનો લાભ ગુજરાતના લગભગ 70 થી 80 ટકા વિસ્તારને મળશે. સૌથી વધુ અને અતિભારે વરસાદ દક્ષિણ ગુજરાત, મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલા વિસ્તારો, મધ્ય ગુજરાતના ભાલ વિસ્તાર અને સૌરાષ્ટ્રમાં જોવા મળશે.

જે વિસ્તારોમાં અત્યાર સુધી ઓછો વરસાદ થયો છે, તેમને પણ આ રાઉન્ડથી ફાયદો થશે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના વઢિયાર, હારીજ, સમી, શંખેશ્વર, રાધનપુર અને કચ્છના રાપર જેવા વિસ્તારોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના જામનગર, પડધરી, ધ્રોલ, રાજકોટ, જસદણ, વિંછીયા અને ચોટીલા જેવા વિસ્તારોમાં પણ સારા વરસાદની સંભાવના છે.

પરેશ ગોસ્વામીએ ચેતવણી આપતા જણાવ્યું છે કે આ વરસાદને હળવાશથી ન લેવો. જે વિસ્તારોમાં પહેલેથી જ અતિવૃષ્ટિ થઈ છે (જેમ કે દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારો અને સૌરાષ્ટ્રના મહુવા-તળાજા), ત્યાંના ખેડૂતોએ હાલ 'વરાપ' (વરસાદના વિરામ)ની આશા રાખવી નહીં. ચોમાસુ હજુ લાંબુ ચાલશે અને આ સમયગાળામાં ખાસ સાવધાની રાખવી જરૂરી છે.